
તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકરોનો ભારે જમાવડો : કારોબારી ચેરમેન તરીકે ક્ષત્રિયને તક મળશે….
વાંકાનેર તાલુકા પંચાયતની આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય સત્તા વાપસી કરી છે. બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થતાં તાલુકા પંચાયતની સત્તા પર ફરી એકવાર કોંગ્રેસે પોતાનો કબજો જમાવ્યો છે. વિજયની જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો…
આજે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદે કોળી સમાજના દિગ્ગજ નેતા ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે મોમીન સમાજનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના યુવા નેતા ઈરફાન ચૌધરીએ જીત હાંસલ કરી છે…

વાંકાનેર તાલુકા પંચાયત પર આઝાદી બાદથી સતત કોંગ્રેસનું વર્ચસ્વ અને શાસન ચાલ્યું આવતું હતું. જોકે, ગત ટર્મમાં આ સત્તા ભાજપે મેળવી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી ભવ્ય સત્તા વાપસી કરી છે….

ચૂંટણીમાં પક્ષવાર સંખ્યાબળ મુજબ જ મતદાન જોવા મળ્યું હતું, જેમાં આંતરી વિરોધના ગણગણાટ વચ્ચે પણ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઉમેદવારોને ૧૫ મતો મળ્યા હતા, જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવારોને માત્ર ૮ મતો મળતા કોંગ્રેસના ઉમેદવારોનો ઐતિહાસિક વિજય થયો હતો. આ સાથે જ આજની પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટેની ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા…

શહેરમાં કોંગ્રેસના વિજય સરઘસની તૈયારીઓ શરૂ….
આ શાનદાર જીતથી વાંકાનેર કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. પરિણામ જાહેર થતાં જ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, શહેરમાં કોંગ્રેસ દ્વારા એક ભવ્ય વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ટેકેદારો જોડાશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




