લઘુમતી આગેવાનોમાં નારાજગી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ફટકાની ભીતિ….
ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંગઠન રચનાને લઈ લઘુમતિ સમાજમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે, જેમાં અગાઉ વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ સંગઠનમાં લઘુમતી સમાજની અવગણના અંગે પહેલેથી જ અસંતોષ વ્યક્ત થતો હતો, ત્યારે હવે ગઇકાલે જાહેર થયેલા મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં પણ લઘુમતી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ ન મળતા ભારે રોષ અને નારાજગી ફેલાઈ છે….
સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે, વિરોધી પવન અને કઠિન રાજકીય પરિસ્થિતિ વચ્ચે પણ લઘુમતી સમાજ દ્વારા સ્થાનિક કક્ષાએ નોંધપાત્ર પ્રદર્શન કરી ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લઘુમતી સમાજના સમર્થનથી એક જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ બે તાલુકા પંચાયતના સદસ્યો ચૂંટાઈ આવ્યા હોવા છતાં, સંગઠનના હોદ્દાની ફાળવણી વખતે સમાજની સંપૂર્ણ રીતે અવગણના કરવામાં આવી રહી છે….

આ બાબતે લઘુમતી આગેવાનોનું માનવું છે કે, ચૂંટણી સમયે સમાજનો ઉપયોગ માત્ર મતબેંક તરીકે કરવામાં આવે છે, જ્યારે સંગઠનમાં જવાબદારી અને હોદ્દાની ફાળવણી વખતે તેમને બાજુ પર રાખવામાં આવે છે. આ પ્રકારની નીતિથી પાર્ટીના તળિયા સ્તરે કાર્યકરોમાં નિરાશા ફેલાઈ છે અને સંગઠન પ્રત્યે વિશ્વાસ ઘટી રહ્યો છે. આ મામલે જો સમયસર યોગ્ય પ્રતિનિધિત્વ અને માન-સન્માન આપવામાં નહીં આવે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આ સાથે જ કેટલાક આગેવાનો તો અંદરખાને વિકલ્પોની ચર્ચા કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે….

સ્થાનિક રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, લઘુમતી સમાજની સતત અવગણના પાર્ટી માટે લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે. જો પાર્ટી નેતૃત્વ સમયસર આ મુદ્દે ધ્યાન આપી સંતુલિત અને સમાવેશક સંગઠન રચના નહીં કરે, તો મોરબી જિલ્લા સહિત વાંકાનેર પંથકમાં પાર્ટીની પકડ નબળી પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ તો સમગ્ર મુદ્દે જિલ્લા તથા પ્રદેશ સ્તરના નેતૃત્વ તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિભાવ સામે આવ્યો નથી, પરંતુ લઘુમતી સમાજમાં ઉદભવેલી નારાજગી ભાજપ માટે ચેતવણીરૂપ સંકેત તરીકે જોવામાં આવી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




