
વાંકાનેર પંથકના વાતાવરણમાં આજરોજ શુક્રવારે અચાનક પલટા સાથે વહેલી સવારથી જ વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના સુસવાટા અને વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, સવારના ટૂંકા ગાળામાં જ ૨ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.
અચાનક શરૂ થયેલા આ તોફાની વરસાદને પગલે પંથકમાં બેવડો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં વરસાદની સખત જરૂરિયાત વચ્ચે અચાનક સારો એવો વરસાદ વરસી જતાં ઊભા પાકને નવું જીવન મળ્યું છે. ૨ ઈંચ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં ધરતીપુત્રો (ખેડૂતો) હરખાઈ ઉઠ્યા છે. જ્યારે બીજી તરફ, વરસાદની સાથે ભારે પવન અને સતત થઈ રહેલા વીજળીના કડાકા-ભડાકાના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ વાતાવરણ ગોરંભાયેલું છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




