વાંકાનેર શહેરના દ્વારકાનગરી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ અફીણનું વેચાણ કરતા એક શખ્સને મોરબી એસ.ઓ.જી. (SOG) ની ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી અફીણનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩.૫૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર શહેરના દ્વારકાનગરી વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા વશરામભાઈ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ અફીણનો જથ્થો રાખીને ગ્રાહકોને ખાનગી રીતે છૂટકમાં વેચાણ કરે છે. જેના આધારે એસ.ઓ.જી. ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.


દરોડા દરમિયાન મકાનમાંથી માદક પદાર્થ ઓપીયમ આલ્કોલાઈડ (અફીણ) નો ૬૯૩ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૩,૪૬,૫૦૦ થાય છે. આ ઉપરાંત પોલીસે રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, કુલ રૂ. ૩,૫૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા વશરામભાઈ માલણને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી) અને ૧૭(બી) મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



