
જેલમાં બંધ હત્યા કેસના આરોપીએ પેરોલ પર આવી સિરામિક લેબર કોન્ટ્રાક્ટરને ધમકાવ્યાનો આક્ષેપ, ચાર સામે ગુનો નોંધાયો….

વાંકાનેરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સિરામિક લેબર કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખના ધિરાણ પેટે વ્યાજ સહિત 35 લાખ વસૂલી લીધા બાદ પણ વધુ 15.50 લાખની ગેરકાયદે માંગણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ મથકે નોંધાઈ છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા સિરામિક લેબર કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગરે મકાન નિર્માણ તેમજ લેબરના પગાર ચૂકવવા માટે માર્ચ 2022માં પોતાના બાળપણના મિત્ર સરફરાજ હુશેનભાઈ મકવાણા પાસેથી માસિક 10 ટકાના ઊંચા વ્યાજે 8 લાખ લીધા હતા. ત્યારબાદ વધુ 2 લાખ મેળવ્યા હતા, જેના પેટે તેઓ દર મહિને 1 લાખ વ્યાજ ચૂકવતા હતા….

દરમિયાન સરફરાજ મર્ડર કેસમાં જેલહવાલે થયો હોવા છતાં તેની વ્યાજની પઠાણી ઉઘરાણી અટકી નહોતી. સરફરાજના ઈશારે પુનીતભાઈ નામના શખ્સે ઉઘરાણી શરૂ કરી હતી. દેવેન્દ્રભાઈએ ફાઈનાન્સ કંપનીઓમાંથી લોન લઈને તેમજ પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકીને 25 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ સાકીર ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ નામના શખ્સોને ઉઘરાણી સોંપવામાં આવી હતી, જે પૈકી સાકીરને પણ 8 લાખ ચૂકવી દેવાયા હતા.
કુલ 10 લાખની સામે 35 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ વધુ 15.50 લાખની માંગણી કરી ફરિયાદી અને તેમના પરિવારને હેરાન-પરેશાન કરતા હતા. આ દરમિયાન સરફરાજ મકવાણા જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો ત્યારે તેણે દેવેન્દ્રભાઈને ઢુવા ચોકડી પાસે બોલાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે દેવેન્દ્રભાઈ સગરની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે સરફરાજ હુશેનભાઈ મકવાણા, પુનીતભાઈ, સાકીર ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ સામે નાણાં ધીરધાર અધિનિયમ તેમજ ધાકધમકી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે….


