
વાંકાનેર પંથકમાં સિરામિક ફેક્ટરીઓમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત છે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી એક સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે વીજશોક લાગવાની એક ગંભીર અને ગોઝારી ઘટના બની હતી. જેમાં મૂળ ઓરિસ્સાના એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેને બચાવવા ગયેલા અન્ય એક સહ કર્મચારીને પણ વીજશોક લાગતા તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે…


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેજોરા સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે ગ્લેઝ વિભાગમાં કામગીરી ચાલી રહી હોય દરમિયાન ત્યાં કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની બીરેન્દ્ર જુધિષ્ઠિરભાઈ છતરિયા (ઉ.વ. ૪૧) નામના શ્રમિકને અચાનક જ કોઈ કારણોસર જોરદાર વીજશોક લાગ્યો હતો.

બીરેન્દ્રને વીજશોક લાગતા જ ત્યાં હાજર પ્રિન્સ મિશ્રા નામનો સાથી કર્મચારી જીવના જોખમે તેમને બચાવવા માટે દોડી ગયો હતો. પરંતુ કમનસીબે પ્રિન્સ મિશ્રાને પણ ભારે વીજશોક લાગી ગયો હતો. આ બનાવને પગલે ફેક્ટરીમાં ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી. ફેક્ટરીના અન્ય કર્મચારીઓ અને સંચાલકોએ તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ બીરેન્દ્ર છતરિયાને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે તેમને બચાવવા ગયેલા પ્રિન્સ મિશ્રાને પણ ગંભીર અસર પહોંચી હોવાથી તેમની સઘન સારવાર ચાલી રહી છે અને હાલ તેમની હાલત પણ નાજુક ગણાવાઈ રહી છે. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


