વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાનના પગથિયે બેઠેલા પ્રૌઢ પર પથ્થરમારો થતાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જે અંગે વાંકાનેર સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ. ૬૩) રાતીદેવડી ગામમાં પોતાની દુકાનના પગથિયા પર શાંતિથી બેઠા હોય દરમ્યાન આ જ ગામના આરોપી પ્રકાશ ઉર્ફે પિંટુભાઈ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા (બંને રહે. રાતીદેવડી) હાથમાં લાકડીના ધોકા લઈને આવી બજારમાં હાજર બાવજીભાઈ વોરાને બેફામ ગાળો આપવા લાગ્યા હતા.

આરોપીઓએ ઉશ્કેરાઈને બજારમાં પડેલા છૂટા પથ્થરો હાથમાં લઈને બાવજીભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારામાં એક છૂટો પથ્થર દુકાન પાસે બેઠેલા વૃદ્ધ અમૃતભાઈને સીધો મોઢાના ભાગે વાગી ગયો હતો. પથ્થરના ઘાના કારણે અમૃતભાઈને ડાબી આંખની નીચેના ભાગે ઈજા પહોંચી હતી તેમજ નાકના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત અમૃતભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




