વાંકાનેર-ચોટીલા હાઈવે પર આવેલા મહીકા ગામના બોર્ડ પાસે મોડી રાત્રિના સમયે એક ટ્રક-ટ્રેઈલરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજાની ઘટના ટળી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે વાંકાનેર-ચોટીલા હાઈવે પરથી પસાર થઈ રહેલું એક ટ્રક-ટ્રેઈલર મહીકા ગામના બોર્ડ નજીક પહોંચતા હાઈવે પર રોડની વચ્ચે મૂકવામાં આવેલા ડિવાઈડરના પથ્થર સાથે ટ્રક અથડાઈ હતી. અચાનક થયેલી આ ટક્કરને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો…

કાબૂ ગુમાવ્યા બાદ બેકાબૂ બનેલો ટ્રક-ટ્રેઈલર હાઈવે પરથી નીચે ઉતરી સર્વિસ રોડની સાઈડમાં આવેલા વીજ પોલને ઉખેડી સીધો જ ટ્રાન્સફોર્મર (ટીસી) સાથે ધડાકાભેર અથડાયો હતો. જેના પગલે વીજ પોલ અને ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન પહોંચ્યું હતું….

ટ્રક સીધો જ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાયો હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી, પરંતુ સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે મોટી ઈજા થવા પામી નથી. રોડ વચ્ચે મૂકવામાં આવેલા ડિવાઈડરના પથ્થરોને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ સાથે જ આ અકસ્માત દિવસનો સર્જાયો હોય તો મોટી દુર્ઘટના સર્જાવાની પુરી સંભાવના દર્શાવાઇ રહી છે…



