શ્રી જી.પી. હાઈસ્કૂલના સુવર્ણ જયંતી વર્ષે ૭૦૦-૮૦૦ પરિવારો અને ઉદ્યોગપતિઓના સહયોગથી ચાર જ મહિનામાં નવનિર્માણ; કોઈ પણ સરકારી કે રાજકીય સહાય વિના ૧૬૦ વિદ્યાર્થીઓને મળી નવી છત
“જાત મહેનત જિંદાબાદ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર” ની ઉક્તિને વાંકાનેર તાલુકાના તીથવા ગામના ગ્રામજનોએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તીથવા ગ્રામ પંચાયત સંચાલિત શ્રી જી.પી. હાઈસ્કૂલના ૫૦માં સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે ગ્રામજનોએ કોઈ પણ સરકારી ગ્રાન્ટ, અધિકારી કે રાજકીય નેતા પાસેથી એક પણ રૂપિયો લીધા વિના સંપૂર્ણ લોકફાળાથી ૭ રૂમનું સુવિધાયુક્ત નવું બિલ્ડિંગ ઊભું કરી દીધું છે. તા. ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ શાળાના પ્રાંગણમાં આ નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ તેમજ દાતાઓનો સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.
વર્ષ ૧૯૭૬માં સ્થપાયેલી આ ગ્રાન્ટેડ હાઈસ્કૂલ શરૂઆતમાં ગામના ગઢમાં પંચાયત દ્વારા બનાવેલા સાદા મકાનમાં ચાલતી હતી. ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં આ મકાન ધરાશાયી થતાં વર્ષ ૨૦૦૩માં પી.એમ. રિલીફ ફંડમાંથી નવું બિલ્ડિંગ બનાવાયું હતું, પરંતુ થોડા જ વર્ષોમાં તે અત્યંત જર્જરિત થઈ જતાં વિદ્યાર્થીઓના બેસવા લાયક રહ્યું ન હતું. ગ્રાન્ટેડ શાળા હોવાથી સરકાર દ્વારા બિલ્ડિંગ માટે સીધી ગ્રાન્ટ ન મળતાં અને સંચાલક મંડળ તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં શાળાના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો. આ અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, પંચાયત મંત્રી, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ક્યાંયથી ગ્રાન્ટ મંજૂર થઈ ન હતી. અંતે ધોરણ ૯ અને ૧૦ના અંદાજે ૧૬૦ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરીથી વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ સુધી તીથવા તાલુકા પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલના વર્ગો ચલાવવાની ફરજ પડી હતી.
પ્રાથમિક શાળામાં મોટા વિદ્યાર્થીઓને પડતી અગવડતા દૂર કરવા શાળાના સ્ટાફ અને ગામના આગેવાનોએ બેઠકો યોજી લોકફાળાથી જ નવું બિલ્ડિંગ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. આ માટે ૨૭ સભ્યોની ‘બિલ્ડિંગ નવનિર્માણ વ્યવસ્થાપક સમિતિ’ અને વિવિધ પેટા સમિતિઓની રચના કરાઈ હતી. સમિતિના સભ્યોએ ગામના ઘરે-ઘરે ફરીને તેમજ આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગપતિઓનો સંપર્ક સાધીને ભંડોળ એકત્રિત કર્યું હતું. ગામના ૭૦૦થી ૮૦૦ પરિવારો અને ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો, જ્યારે અનેક ગ્રામજનોએ માલ-મટીરીયલ, દેખરેખ અને શ્રમદાન દ્વારા પોતાનું યોગદાન આપ્યું હતું. પરિણામે, જુલાઈ મહિનામાં શરૂ થયેલું બાંધકામ અત્યંત ઝડપી ગતિએ પૂર્ણ થઈને નવેમ્બરમાં સાકાર થઈ ગયું છે.
ગુરુવારે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં ₹૫૦,૦૦૦ થી લઈને ₹૨,૫૦,૦૦૦ સુધીનું માતબર દાન આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સફળતાથી પ્રેરાઈને તીથવાના ગ્રામજનોએ હવે ટૂંક સમયમાં જ ધોરણ ૧૧ અને ૧૨ (હાયર સેકન્ડરી) માટે પણ નવું બિલ્ડિંગ નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારી સહાયની રાહ જોયા વિના શિક્ષણ માટે એકજૂટ થયેલા તીથવા ગામે સમગ્ર પંથક માટે એક પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.


