
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે થોડા દિવસ પહેલાં વાહનમાં તોડફોડ અને જૂની અદાવતના મામલે થયેલ જુથ અથડામણમા બનાવમાં નવો વળાંક આવ્યો છે. આ મારામારીના બનાવમાં એક પક્ષ દ્વારા અગાઉ ૧૦ શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવ્યા બાદ, હવે સામા પક્ષના આધેડે ૫ શખ્સો વિરુદ્ધ હથિયારોથી હુમલો કરી માર માર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ક્રોસ-ફરિયાદ (વળતી ફરિયાદ) નોંધાવી છે…


બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા ફરીયાદી નારણભાઈ લખમણભાઇ સરૈયા (ઉ.વ. ૫૪)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧. સાગરભાઈ મોમભાઈ ડાભી, ૨. મોમભાઈ ભિખાભાઈ ડાભી, ૩. કૈણાભાઈ ભીખાભાઈ ડાભી, ૪. ભરતભાઈ મૈયાભાઈ ગરીયા અને ૫. મોમભાઈ પોલાભાઈ ગરીયા (તમામ રહે. ખીજડીયા) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૭ ના રોજ ફરીયાદી પરિવારના માણસો અને આરોપી સાગરભાઈના પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ અને ઝઘડો થયો હતો.


આ અગાઉના ઝઘડામાં આરોપી સાગરભાઈની વેન્યુ કારમાં નુકસાન થયું હતું. કારમાં થયેલા નુકસાન અને અગાઉના ઝઘડાનો ખાર રાખીને આરોપીઓએ એકસંપ કરી લાકડી અને લોખંડના પાઇપ-ધોકા જેવા હથિયારો સાથે ફરીયાદી પર હુમલો કરી ઢોર માર મારીને ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસે નારણભાઈ સરૈયાની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ સામે મારામારી, રાયોટીંગ અને હથિયારબંધી ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



