
વાંકાનેર તાલુકાના ગારીડા ગામે ખેડૂતોના હક અને અધિકારો અંગે જાગૃતિ લાવવા તેમજ ખેડૂત એકતાને વધુ મજબૂત બનાવવાના આશયથી એક વિશાળ ખેડૂત સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ‘ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી-જેતપર’ દ્વારા સોમવારની રાત્રીએ વાંકાનેરના ગારીડા ગામની મોટા ફળિયા વાળી બજાર ખાતે આ ખેડૂત જાગૃતિ મીટિંગ યોજાઈ હતી. ખેતીક્ષેત્રે હાલમાં ઊભા થઈ રહેલા પડકારો, વિજ પોલના વળતર અને ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે અવાજ બુલંદ કરવા તેમજ સંગઠન મજબૂત કરવા માટે આ બેઠક અત્યંત મહત્વની બની રહી હતી….


આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાનો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને તેમના હકો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોએ સંગઠિત થઈને એક મંચ પર આવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મીટિંગમાં ગામ અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતોએ સ્વયંભૂ હાજરી આપી હતી. ખેડૂતોની આ વિશાળ ઉપસ્થિતિ એ વાતની સાક્ષી પૂરે છે કે પોતાના અધિકારો મેળવવા માટે જગતનો તાત હવે સંપૂર્ણપણે જાગૃત અને સંગઠિત થઈ રહ્યો છે…




