વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપર તાજેતરમાં મળી આવેલી એક અજાણ્યા પુરુષની અર્ધસળગેલી લાશના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ ચલાવીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોંકાવનારા કિસ્સામાં મૃતકની પત્ની, તેના પ્રેમી અને સાસુએ જ મળીને આ નિર્દયી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૨૭ એપ્રિલના રોજ વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર રેસી સિરામિક પાસે આવેલી ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા પુરુષની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ જ મોતનું કારણ શંકાસ્પદ જણાતા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી. તેમની કડક પૂછપરછ કરતા આખો મામલો હત્યાનો હોવાનું ખુલ્યું હતું અને મૃતકની ઓળખ છગનભાઇ પાંચીયાભાઇ નિનામા (રહે. દતીગામ, મધ્યપ્રદેશ) તરીકે થઈ હતી….

આ બનાવમાં પોલીસે આરોપી ૧). પવન ભંવરલાલ નિનામા (ઉં.વ. ૨૯) – મૃતકની પત્નીનો પ્રેમી, ૨). સુમન છગન પાંચીયા નીનામા (ઉં.વ. ૩૫) – મૃતક છગનની પત્ની. (બંને રહે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઢુવા માટેલ રોડ પર બોન્જા સિરામિકની ઓરડીમાં, વાંકાનેર) અને ૩). દેવલીબાઇ વગંગારામ પાલુ ગીરેવાલ (ઉં.વ. ૫૦) – મૃતકની સાસુ (રહે. મધ્યપ્રદેશ)ની અટકાયત કરી છે…

પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ સ્પષ્ટ કર્યું હતું, જેમાં મરણ જનાર છગન તેની પત્ની સુમનને અવારનવાર મારઝૂડ કરી ગાળો આપતો હતો. પતિના આ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સુમન છેલ્લા ત્રણેક વર્ષથી મધ્યપ્રદેશ છોડીને વાંકાનેરના ઢુવા ખાતે આવી ગઈ હતી અને અહીં આરોપી પવન નીનામા સાથે પોતાના બે બાળકો સાથે પત્નીની જેમ રહેતી હતી. પોતાની પત્ની અન્ય પુરુષ સાથે રહે છે તે વાત છગનને પસંદ ન હતી. આથી તે સુમન, તેના ભાઈ વિકાસ અને માતા દેવલીને ફોન પર સતત ગાળો આપીને માનસિક ત્રાસ આપતો હતો. આ રોજના ત્રાસથી કંટાળી જઈને પવન, સુમન અને દેવલીએ છગનનો કાયમી કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું…

પૂર્વઆયોજિત કાવતરા મુજબ, આરોપીઓએ છગનને મધ્યપ્રદેશથી ઢુવા બોલાવ્યો હતો. રાત્રિના સમયે યોગ્ય તક મળતા જ નિર્ધારિત સ્થળે તેને દોરીથી ગળે ટૂંપો આપી દીધો હતો. ત્યારબાદ તેના હાથ દોરી વડે બાંધી દઈ, લાશની કોઈ ઓળખ ન કરી શકે તે હેતુથી તેના મૃતદેહને સળગાવી દીધો હતો. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી અને પુરાવાઓ એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



