છેલ્લા એક જ મહિનામાં ચોરીની ત્રીજી ઘટનાથી ખેડૂતો ત્રાહિમામ : પોલીસની કામગીરી સામે ઊઠ્યા સવાલો…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ગતરાત્રીના વાંકાનેરના તિથવા અને અરણીટીંબા ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં તસ્કરોએ રીતસરનો આતંક મચાવ્યો હતો અને 20થી વધારે ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરોના કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તિથવા અને અરણીટીંબા ગામની બંધાર સીમ તથા હમકા સીમમાં ગત રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ખેડૂતોની વાડીઓમાં કૂવા અને બોરવેલ પર લગાવેલી ઇલેક્ટ્રિક મોટરોના કેબલ વાયર કાપીને ચોરી લીધા હતા. સવારે જ્યારે ખેડૂતો વાડીએ પહોંચ્યા ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. એકસાથે 20થી વધુ ખેડૂતોના કેબલ કપાયેલા જોતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી હતી. આ ચોરીમાં અંદાજે એક લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે….

સૌથી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે, આ વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં કેબલ ચોરીની આ ત્રીજી ઘટના બની છે. વારંવાર થતી આવી ચોરીઓને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેનાથી ખેડુતો ત્રાહિમામ પોકારી ગયા છે. એક તરફ ખેડૂતોને પાક પકવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે, ત્યારે બીજી તરફ આવી ચોરીઓ પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહી છે…

વારંવાર બનતી આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહેલી સ્થાનિક પોલીસની કામગીરી સામે હવે પ્રશ્નાર્થો ઊભા થયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને તસ્કરોની આ ટોળકીને વહેલામાં વહેલી તકે ઝડપી પાડી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




