
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મીઠાઈ અને ફરસાણના વેપારમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર વિસ્તારમાં આગામી તહેવારોની સિઝન પુર્વે નફો કમાવવાની લાલચમાં મીઠાઈ અને ફરસાણમાં હલકી કક્ષાનો કાચો માલ, અખાદ્ય કલર, એસેન્સ અને ડુપ્લિકેટ માવાનો બેફામ ઉપયોગ કરીને મીઠાઈઓ બનાવવામાં આવી રહી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને બજારમાં વેચાતા ફરસાણમાં પણ વારંવાર દાઝિયા તેલનો ઉપયોગ તેમજ ગુણવત્તાહીન સામગ્રી વાપરવામાં આવતી હોવાની ચર્ચાઓ છે. નફાખોરીના ચક્કરમાં કેટલાક ઈસમો દ્વારા બજારમાં ધકેલવામાં આવતા આ પ્રકારના ભેળસેળયુક્ત અને અશુદ્ધ ખાદ્ય પદાર્થોના સેવનથી નાગરિકોમાં ફૂડ પોઇઝનિંગ અને પેટની ગંભીર બીમારીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે.


જાગૃત નાગરિકો દ્વારા એવી ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે વાંકાનેર પંથકમાં મીઠાઈ-ફરસાણની દુકાનો, ગોડાઉનો અને ઉત્પાદન સ્થળો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થો (મીઠાઈ, માવો, ફરસાણ, ખાદ્ય તેલ) ના સેમ્પલ લઈ સત્વરે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવા, સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા અને હલકી કક્ષાનો માલ વાપરતા વેપારીઓ સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બની ગયું છે. તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે જમીની સ્તર પર નક્કર કામગીરી કરી લોકોના આરોગ્યની રક્ષા કરે તે સમયની તાતી જરૂરિયાત છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



