Friday, October 23, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં જનમેદની ઉમટી: સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી...

    મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભામાં જનમેદની ઉમટી: સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી વિશેષ પેકેજ આપવા માંગ…

    મોરબીના શનાળા-રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા આયોજિત ‘ખેડૂત આક્રોશ મહાસભા’માં હજારો ખેડૂતોની જંગી મેદની ઉમટી પડી હતી. છેલ્લા ત્રણ દાયકાથી શાસક પક્ષ દ્વારા ખેડૂતોની થતી કથિત ઉપેક્ષા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા યોજાયેલી આ સભામાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનોએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા…

    મહાસભામાં મુખ્યત્વે ખેડૂતોની ફળદ્રુપ જમીનોમાં મંજૂરી વિના કે દબાણપૂર્વક ઊભા કરવામાં આવતા 765 KV લાઈનના વિશાળ વીજ થાંભલાઓનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, શાસકો જનતાના સેવક બનવાને બદલે ખાનગી કંપનીઓના હિત રક્ષક બની ગયા છે અને માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે. આ ઉપરાંત, મોરબીમાં ગાળાથી વઘાસીયા સુધીના નેશનલ હાઇવે બાયપાસ પ્રોજેક્ટમાં બિલ્ડર લોબીના લાભાર્થે વારંવાર એલાઈનમેન્ટ બદલીને ખેડૂતોની કિંમતી જમીનો નજીવા ભાવે પડાવી લેવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો…

    ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી હતી કે સૌરાષ્ટ્ર અને કચ્છને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત/અછતગ્રસ્ત જાહેર કરી વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે. આ સાથે જ તેમણે જમીન સંપાદન સંદર્ભે માંગ કરી હતી કે, ટ્રાન્સમિશન ટાવર માટે જમીનના બજાર ભાવથી 400 ટકા વળતર મળવું જોઈએ, વીજ લાઈન નીચે આવતી જમીન માટે 100 ટકા વળતર ચૂકવવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને વાર્ષિક ₹25,000નું કાયમી વળતર આપવામાં આવે…

    આ મહાસભામાં પ્રભારી રણદીપ સુરજેવાલા, શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, લલિત કગથરા, મહંમદજાવેદ પીરઝાદા સહિતના આગેવાનોએ સંબોધન કર્યું હતું. નેતાઓએ ચીમકી આપી હતી કે જો ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ (MSP), પાક વીમો અને જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં રાજ્યભરમાં રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ, વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના ખેડૂત આંદોલનની જેમ સંગઠિત થઈને સત્તા પરિવર્તન લાવવા ખેડૂતોને હાકલ કરવામાં આવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!