
વાંકાનેર શહેર અને તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ગૌરવપૂર્ણ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના નવનિર્મિત હોલનું લોકાર્પણ, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ સમગ્ર જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનનું સુંદર આયોજન હર્ષોલ્લાસભેર સંપન્ન થયું હતું…

આ ગૌરવવંતા પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ સમાજના નવનિર્મિત હોલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સમાજની ધાર્મિક અને સામાજિક લાગણીને ધ્યાને રાખીને વાંકાનેર સ્થિત પવિત્ર સમાધિસ્થાનના સર્વાંગી વિકાસ અને સુવિધાઓ વધારવા માટે ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) ની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ એકસાથે સ્નેહપૂર્વક સમૂહ ભોજન (પ્રસાદ) ગ્રહણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર શહેર/તાલુકા દશનામ ગોસ્વામી મંડળના હોદ્દેદારો, યુવા પાંખ અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.



