વાંકાનેર શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં શહેરના જિનપરા વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવતા એક નિરાધાર તથા માનસિક રીતે અસ્થિર મહિલાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મહિલાએ ભિક્ષાવૃત્તિથી એકત્રિત કરેલી મરણમૂડી સમાન રૂ. 50,000 ની રોકડ રકમ ચોરી ગયા છે. આ મામલે મહિલાની દેખરેખ રાખતા પડોશીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના જિનપરા ગૌશાળા રોડ પર નિર્મળાબેન મગનભાઈ ગોહેલ નામના મહિલા એકલા રહે છે. તેમના પતિના અવસાન બાદ તેમની માનસિક હાલત બગડી ગઈ હતી. તેઓ નિરાધાર છે અને તેમને કોઈ સંતાન પણ નથી. તેમની આ દયનીય સ્થિતિના કારણે પડોશમાં રહેતા રમેશભાઈ બચુભાઇ મકવાણા માનવતાના નાતે એક કેરટેકર તરીકે તેમની દેખરેખ રાખે છે. માનસિક અસ્થિરતાના કારણે નિર્મળાબેન નિયમિત ઘરે આવતા ન હતા અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ પોતાના ઘરે આવ્યા ન હતા. આ તકનો લાભ ઉઠાવીને ગત 12ના રોજ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા અને બરસાખ (દરવાજાની ફ્રેમ) તોડી અંદર પ્રવેશી નિર્મળાબેને ભિક્ષાવૃત્તિ કરીને મહામહેનતે ભેગી કરેલી 50 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા….

ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં, મહિલાની દેખરેખ રાખતા પડોશી રમેશભાઈ મકવાણાએ તાત્કાલિક વાંકાનેર સીટી પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ રમેશભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે. એક નિરાધાર અને માનસિક રીતે બીમાર મહિલાની આખી જિંદગીની કમાણી લૂંટાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



