વાંકાનેર વિસ્તારમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાના હંગામી સંગ્રહ તથા વેચાણનો પરવાનો મેળવવા ઇચ્છતા વેપારી અરજદારોને આગામી તા. ૦૧/૧૦/૨૦૨૪ સુધીમાં પોતાની અરજી નિયત નમૂનામાં ફોર્મમાં જરૂરી વિગતો ભરી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન ખાતે ત્રણ નકલમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે….
વેપારીઓએ આ ફોર્મમાં સંપૂર્ણ વિગતો સાથે અરજી ફોર્મ ઉપર રૂ. ૩ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી રૂ. ૭૦૦નું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લાયસન્સ ફી પેટે જમા કરાવી તેનું અસર ચલણ સામેલ રાખવાનું રહેશે. સૂચિત સ્થળનો એપ્રુવડ નકશો કે જેમાં સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજ, હોસ્પિટલ, સળગી ઊઠે તેવા પદાર્થોનો ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઇમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે…
આ સાથે પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ આઈડી પ્રૂફ જેમ કે, આધાર કાર્ડ/ ચૂંટણી કાર્ડ /ડ્રાઇવિંગ લાઇસન્સ /રેશનકાર્ડની નકલ તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા જોડવાના રહેશે. માંગણી વાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા /અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા પાવતી તેમજ માલિક દ્વારા જે-તે જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ/સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિડ કરાવવાનું રહેશે.
નગરપાલિકા /ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર (NOC), ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની સરકારી વસૂલાત બાકી ન હોવા બાબતનું પ્રમાણપત્ર તથા ગત વર્ષે હંગામી ફટાકડા વેચાણ સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સપ્રમાણિત કરેલ નકલ જોડવાની રહેશે. તા. ૦૧ ઓક્ટોબર બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગત વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી એસ.એમ. ગઢવી દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે…