ખનીજ માફીયાઓની હિંમત સામે પોલીસ નતમસ્તક : ખનીજચોરી કરતાં ઝડપાયેલ ડમ્પરને ખાણ ખનીજ વિભાગની હાજરીમાં માફીયાઓ પોલીસ લાઇનમાંથી છોડાવી ગયાં….
સમગ્ર વાંકાનેર પંથકમાં ખનીજ માફીયાઓએ માઝા મૂકી છે, જેની સામે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ નત મસ્તક બની તમાશો જોઇ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં પણ ગઇકાલે ખનીજ માફીયાઓએ હદ વટાવી પોલીસ અને ખણ ખનીજ વિભાગની આબરૂના લીરેલીરા કરતો બનાવ સામે આવ્યો છે. જેમાં વહેલી સવારે સાદી રેતીની ખનીજ ચોરીમાં ઝડપાયેલ ડમ્પરને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વાંકાનેર પોલીસ લાઇન ખાતે રાખવામાં આવેલ હોય, દરમ્યાન જ ખાણ ખનીજ વિભાગની હાજરીમાં ફોર્ચ્યુનર કારમાં આવેલા ખનીજ માફીઆઓ ધોકા પાઇપ સાથે ઉતરી ધાક-ધમકી આપી પોલીસ લાઇન ખાતેથી પોતાનું ડમ્પર છોડાવી જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગઇકાલે વહેલી સવારે વાંકાનેરની અમરસર ફાટક પાસેથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતાં એક ડમ્પર નં. GJ 03 CU 0018 ને ઝડપી વાંકાનેર પોલીસ લાઈન ખાતે પાછળના ભાગે રાખવામાં આવેલ હોય, જેના પર ખાણ ખનીજ વિભાગ દ્વારા બે સિક્યુરિટી ગાર્ડ મુકેલા હોય, દરમિયાન સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નં. GJ 03 KH 8390 માં આવેલા બે ખનીજ માફીયાઓ અને ડમ્પર ચાલકે ધોકા-પાઇપ સાથે ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડને ધાક-ધમકી આપી કોઈપણ પ્રકારના ખોફ વગર અને પોલીસના ડર વગર પોલીસ લાઈનમાંથી પોતાનું ખનીજ ચોરી કરતા ઝડપાયેલ ડમ્પરને છોડાવી નાસી જતા ખાણ ખનીજ વિભાગ અને પોલીસની આબરૂના લીધે લીરા થયા છે.
હાલ આ બનાવમાં મોરબી ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વિરપાલસિંહ જાડેજાએ વાંકાનેર સીટી પોલીસમાં ત્રણ અજાણ્યા ખનીજ માફીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવના કારણે વાંકાનેર પંથકમાં ચાલતી બેફામ ખનીજ ચોરી સામે સમગ્ર વહીવટી તંત્ર નત મસ્તક બની તમાશો જોઈ રહ્યાનો અહેસાસ આમ જનતા અનુભવી રહી છે, જેના કારણે આમ નાગરિકો પોતાના જાનમાલની અસલામતી સ્પષ્ટપણે અનુભવી રહ્યા છે..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA