કોને ટીકીટ મળશે ?
ભાજપ દ્વારા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે સેન્સ લેવાઇ…: ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક માટે ભાજપમાં પાંચ દાવેદારો….
વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણી તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય, ત્યારે ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આજરોજ ભાજપ દ્વારા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવામાં આવી હોય, જેમાં બંને જગ્યાએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારોનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ સર્જાયો છે….
વાંકાનેર ભાજપમાં પણ બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે બંને જુથોએ ચોકઠાં ગોઠવી પોતાની પેનલના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં પક્ષ તરફથી ટીકીટ મળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે, જેમાં વાંકાનેર નગરપાલિકાનાં સાત વોર્ડની 28 બેઠકો માટે આજે લેવાયેલી સેન્સમાં કુલ 102 ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. જેમાં વોર્ડ નં. એકમાં 22, વોર્ડ બેમાં 14, વોર્ડ ત્રણમાં 14, વોર્ડ ચારમાં ફક્ત 01, વોર્ડ પાંચમાં 16, વોર્ડ છમાં 22 અને વોર્ડ સાતમાં 13 લોકોએ મોવડી મંડળ સામે દાવેદારી રજૂ કરી છે. જ્યારે તાલુકા પંચાયતની ચંદ્રપુર એક બેઠક માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે….
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ધારાસભ્ય તથા સાંસદ જુથો વચ્ચે બરાબરીની ટક્કર જોવા મળી રહી છે, જેનો ડેમો આજે લેવાયેલી સેન્સમાં દેખાયો છે. જેમાં બંને જુથોએ વોર્ડ દીઠ પોતાના ઉમેદવારોની પેનલો બનાવી દાવેદારી નોંધાવી અને લોબિંગ શરૂ કરતાં વાંકાનેરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ક્યાં જુથનો દબદબો પક્ષમાં રહેશે તેનું સ્પષ્ટીકરણ ભાજપ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગી કર્યા બાદ જ થશે, જેથી હાલ વાંકાનેર વિસ્તારના નાગરિકો ભાજપ ઉમેદવારોના નામની યાદીની રાહ આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે…