
ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી-ફોસલાવી ગુનાહિત ઇરાદે અપહરણ કરી જવાના મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં સગીરાના પિતાએ ભરતભાઈ બાબુભાઈ વડેચા નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા પંથકમાં રહેતા આધેડની સગીર પુત્રી વાંકાનેરમાં રહેતી તેની મોટી બહેનના ઘરે સીવણકામ શીખવા ગઈ હતી. દરમિયાન સાંજના સુમારે તે કોઈને પણ કહ્યા વિના અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી સગીરા પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરિવારે આસપાસના વિસ્તારો તેમજ સગાં-સંબંધીઓમાં શોધખોળ કરી હોવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ પરિવારે ઘરની સામે લાગેલા સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતાં ટંકારા તાલુકાના ટોળ ગામનો ભરતભાઈ બાબુભાઈ વડેચા નામનો શખ્સ સગીરાને પોતાની બાઇક પર બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો….
દીકરીને લલચાવી-ફોસલાવીને કોઈ અજાણ્યા ગુનાહિત હેતુસર ભગાડી ગયો હોવાનું સામે આવતાં પિતાએ તાત્કાલિક વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અરજીના આધારે આરોપી સામે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ કબજે લઈ આગળની કાનૂની તપાસ તેજ કરી છે….




