
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સમગ્ર પંથકમાં સહકારી તેમજ રાજકીય પીઢ આગેવાન જલાલભાઈ અલીભાઈ શેરસીયાનું આજરોજ વહેલી સવારે ટુંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર પંથક અને સહકારી આલમમાં શોકની લહેર પ્રસરી ગઈ છે….


મર્હુમ જલાલભાઈ શેરસીયાની દફનવિધિ (જનાઝો) આજરોજ બપોરે ૩:૦૦ વાગ્યે તેમના વતન ચંદ્રપુર ખાતે રાખવામાં આવી છે. દફનવિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ મર્હુમની જીયારત પણ ચંદ્રપુર ખાતે જ રાખવામાં આવેલ છે. તેમના અચાનક વિદાય લેવાથી વાંકાનેરના રાજકીય અને ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે…


મર્હુમ જલાલભાઈ શેરસીયાએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક મહત્વના હોદ્દાઓ પર રહીને પ્રજાકીય કાર્યો અને લોકોની સેવા કરી હતી. તેઓ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ (APMC) ના વર્તમાન ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. આ સાથે જ તેઓ વર્તમાન ચંદ્રપુર ગામના સરપંચ પ્રતિનિધિ, ઇફ્કો (IFFCO) ના ડેલિગેટ તથા પુર્વ તાલુકા પંચાયત સદસ્ય, ચંદ્રપુર ગામની સહકારી મંડળી તેમજ મહિલા દૂધ મંડળીના મુખ્ય કર્તાહર્તા તરીકે સિંહફાળો રહ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોને મોટુ માર્ગદર્શન અને ટેકો મળતો હતો….




