વાંકાનેર-કુવાડવા રોડ પર આવેલા કલાવડી ગામના પાટીયા પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં થાનગઢના એક યુવકનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે મૃતકની માતાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢમાં જવાહર સોસાયટીમાં રહેતા અને રાજકોટ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા છત્રસિંહ જશવંતભાઈ પરમાર (ઉ.વ. ૩૭) નામનો યુવાન ગત ૪ના રોજ બપોરે પોતાનું બાઈક (GJ-03-DJ-8803) લઈને કુવાડવા તરફથી વાંકાનેર તરફ આવી રહ્યો હોય દરમિયાન કલાવડી ગામના પાટીયા પાસે એ.કે.પ્લાઝા અને બિસ્મિલ્લાહ હોટલ સામેથી પૂરપાટ ઝડપે આવતા બાઈક નંબર GJ-03-LS-7958ના ચાલકે છત્રસિંહના બાઈક સાથે ધડાકાભેર ટક્કર મારી હતી…

આ અકસ્માતમાં છત્રસિંહ પરમાર રસ્તા પર ફંગોળાઈ જતા તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યવાનનું મોત થયું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ કરૂણ બનાવ અંગે મૃતકના માતા રતનબેન જશવંતભાઈ પરમાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધાર પોલીસે હાલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….



