
મોરબી જીલ્લા કલેકટર દ્વારા વાંકાનેર, ટંકારા, મોરબી તથા હળવદ સહિતના તાલુકાના ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો, ખેડૂતોમાં ભારોભાર નારાજગી….

મોરબી જીલ્લામાં વિકાસના નામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી જીલ્લામાંથી વધુ 9 નવી વિજલાઇનો પસાર થવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાંથી પસાર થનારી ત્રણ હેવી વિજલાઇન મામલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિજલાઇનોના કારણે ખેડૂતોની માઠી બેસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે…

બાબતે મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના અંદાજે 10 જેટલા ગામોમાંથી આ હેવી વિજલાઇન પસાર થવાની છે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે. વિજલાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ગંભીર મુદ્દાને લઈને ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક આજરોજ યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં કોઈ સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દ્વારા જે વળતરની જાહેરાત કે વાત કરવામાં આવી છે, તેનાથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનના બદલામાં મળનારું વળતર ખૂબ જ ઓછું છે અને તેનાથી લાંબા ગાળે ખેતીને મોટું નુકસાન જશે…

બેઠક બાદ ખેડૂત આગેવાનોના વલણ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ આ અન્યાય સામે ઝૂકવા તૈયાર નથી. જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે યોગ્ય અને સંતોષકાર નિર્ણય લેવામાં નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. વિકાસના નામે ખેડૂતોના ભોગે લેવાતા નિર્ણયો સામે હવે ગ્રામીણ વિસ્તારોમાં રોષનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



