વાંકાનેર શહેરમાં એક અત્યંત આઘાતજનક અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરની ખાનગી ઝાલા હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન માટે દાખલ થયેલા એક 35 વર્ષીય પરિણીતાનું ઓપરેશન બાદ આકસ્મિક મૃત્યુ નીપજતા સ્થાનિક પંથકમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલ દ્વારા દર્દી બાથરૂમમાં પટકાતા મોત થયાનો દાવો કરાયો છે, જ્યારે પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે.


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના ઉષાબેન અરવિંદભાઈ મકવાણા (ઉ.વ. ૩૫)ને શારીરિક તકલીફના કારણે વાંકાનેર શહેરમાં આવેલી ઝાલા હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન અર્થે દાખલ કરવામાં આવ્યા હોય, જેમાં ઓપરેશન પૂર્ણ થયા બાદ, ઉષાબેન બાથરૂમ જતા ત્યાં અચાનક પડી જવાથી બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય, પરંતુ કમનસીબે સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનું શંકાસ્પદ હાલતમાં કરૂણ મોત નીપજ્યું હતું….
આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે, જેમાં મૃતકના ભાઇએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બનાવમાં હોસ્પિટલનો દાવો છે કે પરિણીતા બાથરૂમમાં પડી ગયા હતા, પરંતુ પરિવારના જણાવ્યા અનુસાર તેમના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી. આમ છતાં અચાનક તેમની તબિયત કઈ રીતે લથડી તે એક મોટો સવાલ છે.

આ સાથે જ દર્દીની હાલત અત્યંત ગંભીર હોવા છતાં, હોસ્પિટલ દ્વારા તેમને તાત્કાલિક સુવિધાસભર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવાને બદલે ખાનગી વાહનમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે આવેલી પરિણીતાનું આ રીતે અચાનક મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ શંકાસ્પદ મોતના બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

આ મામલે વધુ માહિતી આપતાં વાંકાનેર સીટી પીઆઇએ જણાવ્યું હતું કે, અમારી ટીમને રાજકોટ હોસ્પિટલ ખાતેથી બનાવની જાણ કરવામાં આવી હતી, જેમાં પરણીતાને બાથરૂમમાં પડી જવાથી ઇજા પહોંચી હોવાની વાત કરવામાં આવી હોય, જ્યારે પરિવારજનો દ્વારા શંકાસ્પદ મોતના આક્ષેપ કરતા મૃતક પરિણીતાના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. હાલ પોલીસ અને પરિવારજનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે અને હોસ્પિટલની બેદરકારી છે કે કેમ તે દિશામાં ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે જોવાનું રહ્યું કે આ બનાવમાં ખરેખર સત્ય હકીકત શું છે ? અને પ્રશાસન દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ?
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




