મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વાંકાનેરની અતિ મહત્વની ગણાતી પંચાસીયા બેઠક પર મેળવેલા ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ અકબરભાઈ બાદીએ વિસ્તારના તમામ મતદારો, કાર્યકર્તાઓ અને હિતેચ્છુઓનો હૃદયપૂર્વક જાહેર આભાર વ્યક્ત કર્યો છે. આ વિજયને તેમણે અંગત જીત ન ગણાવતા સમગ્ર વિસ્તારની જનતાના વિશ્વાસ અને પ્રેમના વિજય તરીકે વધાવી લીધો છે…

ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ એક કૃતજ્ઞતા સંદેશમાં અકબરભાઈ બાદીએ જણાવ્યું હતું કે, ” પંચાસીયા, પંચાસર, રાણેકપર, વાંકીયા, પંચાસર, વઘાસીયા, ધર્મનગર, ભોજપરા, હસનપર, જાલી, ધરમનગર સહિતના સમગ્ર વિસ્તારના મારા વહાલા મતદાતા ભાઈઓ-બહેનોએ મારા પર અને મારા પરિવાર પર જે અપાર પ્રેમ વરસાવ્યો છે, તે બદલ હું કાયમ આપ સૌનો ઋણી રહીશ. આપે ‘નામના નહીં, પણ કામના’ મત આપીને સાબિત કર્યું છે કે સેવા અને વિકાસ જ સાચો રાજધર્મ છે.”
આ શાનદાર જીતનો શ્રેય પક્ષના પાયાના કાર્યકરોને આપતા તેમણે વિશેષ આભાર પ્રગટ કર્યો હતો, જેઓ રાત-દિવસ જોયા વિના, ગરમી-તડકાની પરવા કર્યા વગર ડોર-ટુ-ડોર પ્રચારમાં ખડેપગે રહ્યા, કોંગ્રેસ પક્ષના તમામ નાના-મોટા આગેવાનો, જેમણે ચૂંટણી રણનીતિમાં માર્ગદર્શન અને પૂરતો સહયોગ આપ્યો તથા જેમણે સ્વયંભૂ રીતે પ્રચારની કમાન સંભાળી અને ગામેગામ જાગૃતિ લાવીને જંગી મતદાન કરાવ્યું તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે આ ચૂંટણી જંગમાં સાથ-સહકાર અને શુભેચ્છાઓ પાઠવી, તે તમામ સ્નેહીજનોનો પણ તેમણે આભાર માન્યો હતો…


આભાર દર્શનની સાથે સાથે અકબરભાઈ બાદીએ જનતાને ખાતરી આપતા જણાવ્યું હતું કે, “આપે આપેલા એક-એક કિંમતી મતનું ઋણ હું આ વિસ્તારના સવાયા વિકાસ કાર્યો થકી ચૂકવીશ. મારી જવાબદારી હવે બમણી થઈ છે. ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ છેવાડાના માનવીના પ્રશ્નોના નિરાકરણ માટે, સુખ-દુઃખમાં સહભાગી થવા માટે મારા ઘરના દરવાજા આપ સૌ માટે ૨૪ કલાક ખુલ્લા રહેશે.”
~ અકબરભાઈ બાદી




