ટંકારા તાલુકાના નસીતપર ગામમાં ગત તારીખ 3 અને 4 એપ્રિલ 2026 ની રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરોએ ગામના વિવિધ ધાર્મિક સ્થળો, ખાનગી મકાનો અને વેપારીઓની દુકાનોને નિશાન બનાવીને વિવિધ પ્રકારની ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ વ્યાપક ચોરીની ઘટનાને પગલે નસીતપરના ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર નિર્દોષ નાગરિકો અને ગ્રામજનો દ્વારા આ મામલે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આ અંગે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ (ઝાલરીયા) લેખિત રજૂઆત કરીને લોક સુરક્ષા અને સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખીને તસ્કરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી એસપી અને રાજકોટ રેન્જ ડીઆઈજી સમક્ષ રજૂઆત કરી છે. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે અપરાધીઓ સામે સરકારી ધારાધોરણ મુજબ ઉચ્ચસ્તરીય તપાસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને પીડિતોને ઝડપથી ન્યાય મળી રહે…


