વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં બેફામ ખનીજચોરી ચાલી રહી હોય, જેમાં ખનીજ માફીયાઓ દ્વારા પથ્થરની ખાણમાં જીલેટીન સ્ટીક અને ડિટોનેટર વડે બ્લાસ્ટિંગ કરવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે જ પોલીસે ત્રાટકીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નિષ્ફળ બનાવી છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૩.૧૮ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ૧૧ જેટલા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે….

બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના સતાપર ગામની સીમમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં કેટલાક ઇસમો દ્વારા કોઈપણ જાતની લીઝ કે મંજૂરી વિના ગેરકાયદેસર ખાણકામ કરવામાં આવતું હોવા અંગેની બાતમી મોરબી એસઓજી ટીમને મળી હોય, જેમાં સ્થળ પર આરોપીઓએ એકબીજાની મદદગારીથી જમીનમાં ૯૮ જેટલા બોર કરી તેમાંથી ૨૩ બોરમાં બોલેરો ગાડીમાં લાવવામાં આવેલ આશરે ૨૫૫ કિલો જેટલો એક્સપ્લોઝિવ (વિસ્ફોટક) પદાર્થ પ્લાન્ટ કરી દેવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકોને ઇલેક્ટ્રોનિક ડિટોનેટર સાથે બાંધીને બ્લાસ્ટ કરવાની પૂરી તૈયારી કરી લેવાઈ હતી…

આ પ્રવૃત્તિથી આસપાસમાંથી પસાર થતા રાહદારીઓ, માલધારીઓ અને પશુઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે તે જાણવા છતાં અને કોઈ જ પ્રકારની સુરક્ષા તકેદારી રાખ્યા વિના આ કૃત્ય આચરવામાં આવી રહ્યું હતું. જોકે, બ્લાસ્ટ થાય તે પહેલાં જ પોલીસનો કાફલો પહોંચી જતાં મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી…

આ દરોડામાં પોલીસે સ્થળ પરથી 475 નંગ જીલેટીન સ્ટીક (Solar Eco Primex Slurry Explosives) (કિંમત રૂ. ૧,૦૫,૪૫૦), 75 નંગ ઇલેક્ટ્રોનિક ડિટોનેટર (કિંમત રૂ. ૩,૭૫૦), 88 નંગ TLD વાયર (કિંમત રૂ. ૪,૪૦૦), એક મોબાઈલ ફોન, બોલેરો કાર વાહન નં. GJ-03-BY-9933, ત્રણ પાવડા અને 23 પ્લાસ્ટિકની કોથળીઓ સહિત કુલ રૂ. 3,18,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…
આ ગંભીર ગુનામાં પોલીસે મુખ્ય આરોપી રમેશભાઇ ગોરધનદાસ ખોજીરજી (ઉ.વ. ૪૫, રહે. આજીવસાહત ખોડીયાર નગર, રાજકોટ)ની સ્થળ પરથી જ ધરપકડ કરી તેની પ્રાથમિક પુછપરછમાં આ ગુનામાં અન્ય આરોપી ચોથાભાઇ વાલાભાઇ ગોરીયા (રહે. સતાપર), સામાભાઇ (રહે. સતાપર), શોર્ટ ફાયરર (અજાણ્યો માણસ), બોલેરો ગાડીનો ડ્રાઇવર તથા ૭ અજાણ્યા શ્રમિકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



