ત્રિપલ અકસ્માતના બનાવમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત, અન્ય ત્રણ મુસાફરોને ઇજાગ્રસ્ત…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરિયાળી ગામના પાટિયા પાસે મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલકે સીએનજી રીક્ષા અને સ્કોર્પિયો કારને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ ત્રિપલ અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ મુસાફરોને પણ ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પોતાની સીએનજી રીક્ષા લઇ પસાર થતા જયેશભાઇ ગોવિંદભાઇ સરવૈયા (રહે. થાનગઢ) તેમના ભત્રીજાને વાંકાનેરના ઠીકરિયાળી ગામે રહેતા બહેનના ઘરેથી લઇ પરત ફરતા હોય ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની બસ નંબર GJ 03 BT 9033ના ચાલકે ઠીકરિયાળી ગામના પાટિયા પાસે રીક્ષા અને અન્ય એક સ્કોર્પિયો ગાડીને હડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા ચાલક જયેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે રીક્ષામાં બેઠેલા અશ્વિનભાઈ અને અન્ય બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માત સર્જ્યા બાદ લકઝરી બસનો ચાલક રાજકોટ તરફ નાસી જતા બનાવમાં મૃતકના ભાઈ મહાદેવભાઈ ગોવિંદભાઇ સરવૈયાએ બસ ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….