સતત 30 કલાકથી સમગ્ર વાંકાનેર પંથકમાં વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત, ખેડૂતોને મોટી નુકસાનીનો અંદાજ ; અનેક વિસ્તારો સંપર્ક વિહોણા…
વાંકાનેર પંથકમાં રવિવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ સમગ્ર પંથકમાં છેલ્લા 30 કલાકથી સતત વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સતત પડતા વરસાદના કારણે વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોને મોટી નુકસાનીની સાથોસાથ ઘણાબધા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે છેલ્લા 30 કલાકમાં વાંકાનેર પંથકમાં સોમવારે સાંજે છ વાગ્યા સુધીમાં 12 થી 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયાના સમાચાર સામે આવ્યા છે. હાલ કંટ્રોલ રૂમ ખાતે કોઈ મોટી દુઘર્ટના કે નુકસાનીના સમાચારો સામે આવ્યા નથી, પરંતુ ઘણી જગ્યાએ વિજળી પડવા, દિવાલો ધરાશાયી થવી, પાણી ભરાવા સહિતના સમાચાર મળી રહ્યા છે…
હાલ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓ હેરાનપરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ વાકાનેર તાલુકાના દીઘલીયા ગામે એક દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી. જ્યારે રાતીદેવરી ગામે એક રહેણાંક મકાનની દીવાલ પર ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે…
આ સાથે જ સમગ્ર પંથકમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 30 કલાકમાં આજે સાંજના છ વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, કેરાળા વિસ્તારમાં 20 થી 22 ઇંચ, મચ્છુ 1 ડેમ સાઇટ પર 11 ઇંચ, મહિકા વિસ્તારમાં 15 ઇંચ, સમઢિયાળા વિસ્તારમાં 18 ઇંચ, તિથવા વિસ્તારમાં 11 ઇંચ, સિંધાવદર-કણકોટ વિસ્તારમાં 15 ઈંચ, ઢુવા-માટેલ વિસ્તારમાં 11 ઇંચ, પીપળીયા-વાલાસણ તરફ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના સમાચાર સામે આવ્યા છે….
આ સાથે છેલ્લા વાંકાનેર વિસ્તારમાં સતત પડતા વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાની થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોના તૈયાર મોલ પર વધારે પડતાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જવાથી તૈયાર મોલને મોટી નુકસાની સામે આવી છે. આ સાથે જ ઠેર ઠેર ઔધોગિક એકમો તથા નાના-મોટા વેપાર ધંધાઓ પણ વરસાદના કારણે પ્રાભાવિત થયાં છે….