Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ ?

    વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ ?

    એડવોકેટ અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદાએ વકફ કાયદા વિરોધ બાબતે વિસ્તૃત માહિતી સાથે પક્ષ રજૂ કર્યો….

    અરબી ભાષાના “વક્ફ” શબ્દનો અહીં અર્થ થાય છે, અલ્લાહ/ ઈશ્વરના નામ પર આપેલું, જે પાછું ન લઇ શકાય. મુસ્લિમોની સામાજિક ઉપયોગ માટેની સામુહિક મિલકત વક્ફ હેઠળ આવે છે. દા.ત. મસ્જિદ, ઇદગાહ, દરગાહ, કબ્રસ્તાન, મદ્રસા, યતીમખાના (અનાથાશ્રમ). જેની માલિકી વ્યક્તિગત નહીં, પરંતુ મુસ્લિમ સમાજની સામુહિક હોય છે. આ સરકારી મિલકત નથી. હાંજી ફરીથી વાંચો, આ સરકારી મિલકત નથી. આ મુસ્લિમ સમાજની પોતાની ખાનગી માલિકીની સામુહિક મિલકત હોય છે. મુસ્લિમોએ સામાજિક ઉપયોગ માટે સામુહિકરીતે ખરીદેલી અથવા કોઈ દાતાએ મુસ્લિમ સમાજના સામુહિક ઉપયોગ માટે આપેલી મિલકત વક્ફ હેઠળ આવે છે. ફરીથી કહુ છું, આ મુસ્લિમ સમાજની ખાનગી માલિકીની સામુહિક મિલકત હોય છે, સરકારી મિલકત નહીં. એટલે કે મુસ્લિમોની સયુંકત સામાજિક માલિકીની ખાનગી મિલકત કે જે અલ્લાહના નામ પર સામુહિક ઉપયોગ માટે આપવામાં આવી હોય. જે ખરેખરતો અલ્લાહ/ ઈશ્વરની મિલકત છે.

    મુસ્લિમ સમાજની આ સામાજિક મિલકતોના મેનેજમેન્ટ પર દેખરેખ રાખવા માટે અને તેના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વક્ફ બોર્ડ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ વક્ફ બોર્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં વકફના હાલના કાયદા પ્રમાણે પ્રમુખ અને સરકાર તરફથી મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ કમિટી સદસ્યો તરીકે, વિષેશમાં સદસ્યો તરીકે 1 – 1 મુસ્લિમ સંસદ સભ્ય અને ધારાસભ્ય, તથા સચિવ તરીકે મુસ્લિમ સરકારી અધિકારી રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામે છે. જે ગુજરાતના મુસ્લિમ સમાજની મિલકતોના મેનેજમેન્ટ પર દેખરેખ રાખે છે અને તેના પ્રશ્નોનાનું નિરાકરણ કરે છે. જેના હેઠળ ગુજરાતના તમામ મસ્જિદ, ઇદગાહ, દરગાહ, કબ્રસ્તાન, મદ્રસા, યતીમખાના (અનાથાશ્રમ) આવે છે.

    ભાજપની કેન્દ્ર સરકાર હાલના જુના વક્ફ કાયદામાં ફેરફાર કરવા માંગે છે. તો કેન્દ્ર સરકારના નવા સૂચિત વક્ફ કાયદાનો વિરોધ મુસ્લિમો કેમ કરે છે ? બાબતે માહિતી આપતાં શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે, ૧). નવા સૂચિત વક્ફ કાયદામાં વક્ફ બોર્ડમાં ૨ બિન-મુસ્લિમ (હિન્દુ, શીખ, ખ્રિસ્તી વગેરે) સદસ્યોની નિમણૂક કરવાની જોગવાઈ છે. મસ્જિદ, ઇદગાહ, દરગાહ, કબ્રસ્તાન, મદ્રસા, યતીમખાના (અનાથાશ્રમ) વગેરે મુસ્લિમ સમાજની મિલકતોના મેનેજમેન્ટમાં બિન-મુસ્લિમ સદસ્યો ? આતો એવું થાય કે જાણે, રામ મંદિર ટ્રસ્ટ- અયોધ્યા કે સોમનાથ મંદિર ટ્રસ્ટની કમિટીઓમાં મુસ્લિમોની નિમણૂક કરવામાં આવે. જે ખરેખર અયોગ્ય અને અસ્વીકાર્ય બાબત છે. જાણે કે, વાંકાનેરના જડેશ્વર મંદિર ટ્રસ્ટ કે ગાયત્રી મંદિર ટ્રસ્ટમાં મુસ્લિમોની નિમણૂક કરવામાં આવે. જે અયોગ્ય અને અસ્વીકાર્ય બાબત છે. અરે હિન્દુ સમાજનાજ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર ટ્રસ્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના હિન્દુ સમાજના લોકો ટ્રસ્ટી નથી હોતા, જે સમજાય તેવી યોગ્ય બાબત છે. તો મુસ્લિમોના મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાન વગેરે ધાર્મિક મિલકતોનું મેનેજમેન્ટ કરતા વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ એટલે કે હિન્દુ, શીખ, ખ્રિસ્તી વગેરે સદસ્યો કેવી રીતે સ્વીકારી શકાય ?

    ૨). નવા સૂચિત વક્ફ કાયદામાં વક્ફ બોર્ડમાં 2 મહિલા સદસ્યોની નિમણૂક કરવાની જોગવાઈ છે. સૌ પ્રથમતો હાલના વક્ફ કાયદામાં ક્યાંય એવી જોગવાઈ નથી કે મુસ્લિમોની ધાર્મિક મિલકતમાં મહિલાઓની નિમણૂક ટ્રસ્ટી તરીકે ન કરી શકાય. દા.ત. પટોડી નવાબના પારિવારિક ટ્રસ્ટની મસ્જિદમાં મુતવલ્લી (વક્ફ મિલકતના મુખ્ય ટ્રસ્ટી) તરીકે નવાબ મન્સૂર અલી ખાન પટોડીના અવસાન પછી તેમના પુત્ર ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાનનું નામ નથી, પરંતુ તેમની પુત્રીનું નામ છે. જેનો મુસ્લિમોએ ક્યારેય વિરોધ કર્યો નથી. હાલના વક્ફ કાયદામાં મહિલા સદસ્યોની જોગવાઈનો કોઈ વિરોધ નથી. તો પછી મુસ્લિમોને નીચા અને જુનવાણી મહિલા વિરોધી દેખાડવાના પ્રયત્નરૂપે આ જોગવાઈ કેમ ? જ્યારે સામા પક્ષે ભાજપનું વર્તન તદ્દન ઊંધું છે. ગત વર્ષોમાં એક કેસ બાબતે કેરળ હાઈકોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી હતી. જેની વિરુદ્ધમાં ભાજપ દ્વારા કેરળમાં આંદોલન ચલાવવામાં આવ્યુ હતું અને હાઈકોર્ટના આ નિર્ણયને ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ ગણાવવામાં આવેલ. ખુદ ગૃહમંત્રી અમિત શાહે જાહેર સ્ટેજ પરથી સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ આપવાના કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો! શું મુસ્લિમ સમાજ સિવાયના અન્ય ધર્મોની ધાર્મિક મિલકતોની દેખરેખ કરતા ટ્રસ્ટોમાં ક્યાંય મહિલાઓની ફરજિયાત નિમણૂકની જોગવાઈ છે ? ના. અરે મોટા નામાંકિત બિન-મુસ્લિમ ધાર્મિક ટ્રસ્ટોમાં ક્યાંય મહિલા સદસ્યો પણ નથી! તો ફક્ત મુસ્લિમો માટેજ આવી ફરજિયાત જોગવાઈઓ અને મુસ્લિમોને જુનવાણી મહિલા વિરોધી ચિતરવાનો પ્રયત્ન ?

    ૩). નવા સૂચિત વક્ફ કાયદામાં મુસ્લિમોની સામૂહિક ધાર્મિક મિલકતો પર સરકારના વધુ નિયંત્રણ અને નિયમન કરતી જોગવાઈઓ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજની ધાર્મિક મિલકતો પર સરકારે પોતાનો સિકંજો કસવાનો પ્રયત્ન કર્યો છે. અન્ય ધર્મોની ધાર્મિક મિલકતો માટે તો આવી જોગવાઈઓ નથી! કેન્દ્રની ભાજપ સરકારના આ નવા સૂચિત વક્ફ કાયદામાં આ સિવાય પણ અન્ય જોગવાઈઓ છે જે અન્યાયી અને મુસ્લિમ વિરોધી નજરે પડે છે. જેના કારણે સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ અને ન્યાય તથા સત્યના પક્ષે રહેલા નાગરિકો તથા વિવિધ રાજકીય પક્ષો આ કાયદાનો વિરોધ કરે છે. કેન્દ્રની ભાજપ સરકારના મંત્રીમંડળમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. મુસ્લિમો આ સરકારની નીતિ અને નિયત પર કઈ રીતે વિશ્વાસ કરે ? અંતમાં હિન્દુ સમાજના મારા મિત્રોને પૂછવા માંગુ છું કે શું તમે તમારા સમાજની ધાર્મિક મિલકતોના મેનેજમેન્ટમાં મુસ્લિમ, ખ્રિસ્તી કે શીખને સ્વીકારશો ? મને ખબર છે, તમારો જવાબ ના હશે! જે યોગ્ય પણ છે. બસ સાદી ભાષામાં કહું તો મુસ્લિમો દ્વારા ભાજપની કેન્દ્ર સરકારના નવા સૂચિત વક્ફ કાયદાના વિરોધનું આજ મુખ્ય કારણ છે !

    એડવોકેટ સૈયદ શકીલએહમદ કે. પીરઝાદા
    (B.B.A., M.B.A., LL.B.)
    મો. 9898427486

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!