ચુંટણીમાં મત લેવા દોડતા નેતાઓ ગાયબ : ભાજપ હાય હાયના નારા સાથે મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે માટલાં ફોડી, થાળી વગાડી પાણીની માંગ બુલંદ કરી, ધારાસભ્યને પણ રજુઆત કરાઇ…
ભર ઉનાળે વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પેદા થઈ છે, ત્યારે વાંકાનેરની શિવ પાર્ક સોસાયટીના નાગરિકો છેલ્લા દસ દિવસથી પાણી વિહોણા બન્યા હોય, ત્યારે આજરોજ સોસાયટીના રહીશો સવારથી પાણીની માંગ સાથે ભટકી રહ્યા હતા. જેમાં પ્રથમ નાગરિકો ધારાસભ્ય જીતુભાઇ સોમાણી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હોય, જ્યાં યોગ્ય કરવા આશ્વાશન આપ્યા બાદમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને રજુઆત કરવા પહોંચેલ મહિલાઓએ માટલા ફોડી, થાળી વગાડી પાણીની માંગ કરી હતી. આ સાથે જ મહિલાઓએ ભાજપ હાય હાય નાં નારા લગાવ્યા હતા અને ઉગ્ર દેખાવો કરી જ્યા સુધી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી...
આ સાથે જ મહિલાઓએ પાણીની પારાયણ બાબતે પોતાની વ્યથા ઠાલવવા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે અમારી પાસે મત લેવા દોડતા નેતાઓ ખાલી મોટા મોટા વચનો આપેલ, જ્યારે આજે અમારી સમસ્યા દૂર કરવા ફૂટ બોલ જેમ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર નલ સે જલ ની વાતો કરે છે, ત્યારે અમારી ૪૦૦ પરિવારો ધરાવતી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ઘરે નળમાં પાણી આવેલ નથી છતાં ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને અમોએ ખોબલે ખોબલે મતો આપી ભાજપને સત્તા પર બેસાડ્યા હતા. આજે તે જ ભાજપના નેતાઓ અમારી વેદના સાંભળવાની તસ્દી લેવા તૈયાર નથી. અરે ઘરે ઘરે નહિ પરંતુ શેરીમાં જાહેર નળ સ્ટેન્ડ ખાતે પણ છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. હાલના કાળજાળ ગરમી અને આકરા તાપમાં પાણી ભરવા ક્યા જવું તેવા વેધક સવાલો મહિલાઓએ કર્યા હતા….
મહિલાઓ દ્વારા ભાજપને મત આપવા બાબત અફસોસ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં આવનાર ચૂંટણીઓમાં ભાજપને પાઠ ભણાવવા માટે સંકલ્પ કર્યો હતો. ચૂંટણી સમયે પ્રચાર માટે આવતા નાના મોટા નેતાઓ કેવા કેવા પ્રકારના આશ્વાસનો આપી ગયા હતા પરંતુ પ્રજાજનો હંમેશા બિચારા બની જાય છે અને મુશ્કેલીના ખરા સમયે નેતાઓ પ્રજાના દુખમાં ભાગ લેવાના બદલે મોઢા ફેરવી લે છે…
ભર ઉનાળે ભૂખ્યા તરસ્યા સોસાયટી વાસીઓ પાણી માટે જ્યા ત્યાં ભટકી રહ્યા હતા અને નેતાઓ અને અધિકારીઓ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા હતા. કાળજાળ ગરમી વેઠી મહિલાઓ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા જ્યાં TDO હજાર નહિ હોવાનું જાણવા મળતા જ મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને હાથમાં રહેલા માટલા કચેરીમાં ફેંકી ગુસ્સો ઠાલવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc