સહકારી સંસ્થાની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ : સાત સામે સાત સભ્યોની પેનલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે ભડકો, મારામારી થતાં ગ્રામજનો ભડક્યા…
વાંકાનેર તાલુકાની મેસરીયા જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી સમયે રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં બંને પેનલો પાસે સાત-સાત ઉમેદવાર હોવાથી હોદ્દેદારોની વરણી સમયે મારામારીનો બનાવ સર્જાયો હતો, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ મારામારીના બનાવની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો ભડક્યા હતા અને એક ગાડીને આગ ચાંપી હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે આવેલ શ્રી મેસરીયા જૂથ સેવા સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 14 બેઠકો પૈકી બંને પેનલો પાસે સાત-સાત ઉમેદવારો હોય, જેના કારણે બંને પક્ષોએ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે પૂરી તાકાત લગાવ્યા બાદ આજરોજ યોજાયેલ ચૂંટણીમાં એક પક્ષ દ્વારા સામેની પેનલના ઉમેદવાર માટે લોબિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હોય, જે નિષ્ફળ જતા મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે કરતાં વધારે લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…
આ સાથે જ મારામારીના બનાવની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો વિફર્યા હતા અને મંડળી બહાર રાખેલ એક કારને આગ ચાંપી પોતાનો વિરોધ નોંધાયો હતો, હાલ મેસરીયા જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં યોજાયેલ રાજકીય ગરમાવો, મારામારી, આગ ચાંપવાના બનાવ વચ્ચે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બળાબરના પારખાં સાથે ચુંટણીમાં કેવા પરિણામો આવે છે તેના પર સૌકોઈની નજર છે….