તળાવ ખાલી કરવા અજાણ્યા ઇસમો તળાવનો ગેટ ખોલી ફરી બંધ ન થાય તે માટે ગિયર બોક્સ ચોરી ગયાં…!
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે આવેલ નાની સિંચાઈ યોજના-૧ ના તળાવના રીનોવેશનનું કામ વર્ષ ૨૦૨૪માં પૂર્ણ થયેલ હોય, જે બાદ વર્તમાન વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતાં યોજના સંપૂર્ણ ભરાઇ જતાં, ત્રણ દિવસ પુર્વે વહેલી સવારે અજાણ્યા ઈસમો દ્વારા તળાવને ખાલી કરવાનો કારસો રચી પહેલા એચ. આર. ગેટનો દરવાજો ખોલી, પાણી નદીમાં વહી જાય અને યોજના ખાલી થઇ જાય તેવા ખરાબ ઈરાદા સાથે ગેટ ખોલ્યા બાદ કરી પુનઃ બંધ ન કરી શકાય તે માટે ઉપરથી ગેટ ચાલુ બંધ કરવા માટેના ગીયર બોક્સ ખોલીને ચોરી કરી લઇ જતા છેલ્લા ત્રણ દિવસથી તળાવમાં ખાલી થઇ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને મોટી નુકસાની પહોંચવાની ભિતી સેવાઈ રહી છે….
આ યોજના ભરાઇ જવાથી મેસરિયા સહીત આજુબાજુના ચાર ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ થાય છે, પરંતુ કોઇક અસામાજિક તત્વોના આ કૃત્યના કારણે ડેમ ખાલી થઇ જવાથી આજુબાજુના હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત રહી જાય તેમ છે, ત્યારે મોરબી પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા અજાણ્યા ઈસમો સામે વાંકાનેર પોલીસમાં અરજી કરી સરકારી મિલકતને નુકશાન કરવા અને ચોરી જવા તેમજ ખેડૂતો માટેના સિંચાઈના પાણીનો બગાડ કરી ખેડૂતોને આર્થિક નુકશાન પહોચાડવાના બદ-ઈરાદા માટે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તાત્કાલિક આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે તાત્કાલિક સિંચાઈ વિભાગ દ્વારા તળાવમાંથી પાણીનો વેડફાટને અટકાવવા માટે ખુલ્લા ગેટને બંધ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોમાં માંગ ઉઠી છે…