વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે આવેલ એક્સીસ બેંકની શાખામાં મોરબીના વેપારીએ પોતાના જુના કર્મચારીના ઓરીજનલ ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી ખોટી પેઢી ઊભી કરી કરન્ટ ખાતું ખોલાવી કરોડોનો બેનામી વહીવટ કરી નાંખતા આ મામલે ઇન્કમટેક્સ તરફથી સામાન્ય કર્મચારીને કરોડોની નોટિસ મળતા આશ્ચર્યચકિત થયેલ ફરિયાદીએ ઊંડી તપાસ કરતા છેતરપિંડીના કૌભાંડ પરથી પડદો ઉચકાયો છે અને આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા ફરિયાદી નિકુંજભાઈ હીંમતલાલ જાવીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી અમીનભાઈ શાહબુદ્દીનભાઈ રહેમાણી (રહે. મોરબી) તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન આરોપીની સીરામીક પેઢીમાં નોકરી કરતા હોય, જેથી ફરિયાદીના પાસપોર્ટ, પાનકાર્ડ, રેશનકાર્ડ તથા ફોટા સહિતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓફિસ ખાતે પડેલા હોય, જે બાદ ફરિયાદીએ આ સિરામિક પેઢીમાં નોકરી છોડી દેતા,
પાછળથી સિરામિક પેઢીના માલિક આરોપી અમીનભાઈ તથા અન્યોએ તેમના ફરિયાદીની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી ” ગોપાલ એજન્સી ” ના નામે ખોટી પેઢી બનાવી તેનું કરન્ટ ખાતું વાંકાનેરના ચંદ્રપુરની એક્સિસ બેન્કમાં ખોલાવી તેમા 1,64,68,340 રોકડ રકમ જમા કરાવી બાદમાં 1,93,78,000 રોકડ વિડ્રો કરેલ હોય, જે મામલે ઇન્કમટેક્સ વિભાગે ફરિયાદીને રોકડ વ્યવહારો પર રૂ. 5.87 કરોડની નોટિસ ફટકારતાં આ મામલે ઉંડી તપાસ કરતા સમગ્ર મામલે ફરિયાદી સાથે છેતરપિંડી થયાંનો ખુલાસો થયો હતો, જેથી હાલ આ મામલે ફરિયાદીએ આરોપીય વિરુદ્ધ વાંકાનેર છે તે પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે….