વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ગઇકાલ સાંજના સમયે બે શખ્સોએ આરપીએફ પોસ્ટનો દરવાજો તોડી સ્ટેશન ખાતે ફરજ પરના એક આરપીએફ જવાન ઉપર છરી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે, જેમાં રેલ્વે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આરપીએફ બેરેકમાં રહી આરપીએફમાં એએસઆઈ તરીકે નોકરી કરતાં ફરિયાદી વિનોદકુમાર દુધનાથ યાદવ (ઉ.વ. ૩૬) વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર જનરલ સુપર વિઝન તરીકે ફરજ પર હોય ત્યારે સાંજના સમયે આરોપી રાજેશ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૨) અને ભાવેશ જગદીશભાઈ ડાભી (ઉ.વ. ૨૧, રહે. બંને શક્તિપરા, વાંકાનેર) રેલ્વે સ્ટેશન ખાતે એક શખ્સ સાથે માથાકુટ કરતાં હોય ત્યારે ફરજ પરના આરપીએફ જવાન વચ્ચે પડતાં બંને આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ આરપીએફ જવાન પર છરી વડે હુમલો કરી,
ફરિયાદીના યુનિફોર્મનું ડાબી સાઇડનું આરપીએફ બેચ તોડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા, ફરિયાદી જીવ બચાવવા આરપીએફ ઓફીસમાં જઈને દરવાજો બંધ કરતા બંને આરોપીઓએ ઓફીસનો દરવાજાને તોડી નુકશાન કરી ઓફીસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં અન્ય સ્ટાફ દોડી આવી બંને આરોપીઓને પકડી લીધાં હતાં, જેથી આ રેલ્વે પોલીસે આ બનાવમાં બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૧૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બંનેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા…