વાંકાનેર શહેરમાં દિવાળી અને નવા વર્ષની રજાઓનો લાભ ઉઠાવતા તસ્કરોએ વીસીપરા વિસ્તારમાં આવેલ રામેશ્વર સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૩.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરના વીસીપરામાં રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ ઉકાભાઈ ચારોલીયા પોતાના પરિવાર સાથે રજાઓમાં બહારગામ ગયા હોય ત્યારે આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળું તોડ ઘરમાં પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ ઘરમાં રહેલી લોખંડની તિજોરીના તાળાં તોડી તેમાંથી રૂ. ૧,૫૦,૦૦૦ રોકડ રકમ, બે તોલા સોનાની હાંસડી, સોનાની પાંદડીવાળી બુટ્ટી, કાનની સોનાની સેર તથા ૨૫૦ ગ્રામ ચાંદીનો કંદોરા સહિત કુલ રૂ. ૩,૫૫,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી લઈને ફરાર થઈ ગયા હતા….
બનાવ બાદ પરિવાર જ્યારે રજાઓ પુરી કરી પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે ઘરમાલિક સંજયભાઈ ચારોલીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તસ્કરોનું પગેરું મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…



