Wednesday, October 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં સિક્યુરિટી ગાર્ડ સાથે ઓનલાઇન છેતરપિંડી: "ભૂલથી પૈસા જમા થયા છે" કહી...

    વાંકાનેરમાં સિક્યુરિટી ગાર્ડ સાથે ઓનલાઇન છેતરપિંડી: “ભૂલથી પૈસા જમા થયા છે” કહી ગઠિયાએ ૪૮ હજાર પડાવ્યા…

    વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ અશોક લેલેન્ડના વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રૌઢ સાથે રૂ. ૪૮,૦૦૦ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ગઠિયાએ ખાતામાં ભૂલથી પૈસા જમા થયાનો ખોટો મેસેજ મોકલી, દીકરાના અકસ્માતનું બહાનું કાઢીને આ રકમ સેરવી લીધી હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે….

    મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા અશોકસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ. ૫૮) લાલપર પાસેના અશોક લેલેન્ડના વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તાજેતરમાં તેમના પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ ભેજાબાજ શખ્સે અશોકસિહનું નામ અને સરનામું જણાવીને તેમની સાથે પરિચય હોવાનો ડોળ કરી વિશ્વાસ કેળવ્યો હતો.
    ત્યારબાદ ગઠિયાએ જણાવ્યું હતું કે, “મારાથી ભૂલથી તમારા બેંક ખાતામાં રૂ. ૪૮,૦૦૦ જમા થઈ ગયા છે.” આ વાતને સાચી સાબિત કરવા માટે આરોપીએ અશોકસિંહના મોબાઈલ પર પૈસા જમા થયાનો બનાવટી (ખોટો) મેસેજ પણ મોકલી આપ્યો હતો.

    ખોટો મેસેજ મોકલ્યા બાદ આરોપીએ અશોકસિંહને કહ્યું હતું કે, “મારા દીકરાનો અકસ્માત થયો છે અને મારે દવાખાને તાત્કાલિક રૂપિયાની જરૂર છે, તો તમે તે રકમ મને પરત કરી દો.” આરોપીની વાત અને ખોટા મેસેજ પર વિશ્વાસ મૂકીને અશોકસિંહે પોતાના ખાતામાં ખરેખર રકમ જમા થઈ છે કે નહીં તે ચકાસ્યા વિના જ, માનવતાના ધોરણે ફોન-પે મારફતે બે ટુકડામાં રૂ. ૨૦,૦૦૦ અને રૂ. ૨૮,૦૦૦ મળીને કુલ રૂ. ૪૮,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા.

    ત્યારબાદ અશોકસિંહે પોતાના બેંક ખાતાની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમના ખાતામાં અગાઉ કોઈ જ રકમ જમા થઈ ન હતી અને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ તેમણે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી, જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જેમાં ટ્રાન્ઝેક્શન થયું છે તે વિગતોના આધારે આરોપીને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!