વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા લોકમેળામાં વાંકાનેર તાલુકા પોલીસે ઉત્કૃષ્ટ અને માનવીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેળાની ભારે ભીડમાં પોતાના માતા-પિતાથી વિખુટી પડી ગયેલી માત્ર બે વર્ષની માસૂમ બાળકી તેમજ અન્ય એક વયોવૃદ્ધ વ્યક્તિને પોલીસે સુરક્ષિત રીતે શોધીને તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવ મંદિરે યોજાતા ઐતિહાસિક લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ભીડમાં એકલી અટવાયેલી અને ગભરાયેલી હાલતમાં એક બે વર્ષની બાળકી મળી આવી હતી.

પોલીસે તુરંત જ સંવેદનશીલતા દાખવીને બાળકીને હૂંફ આપી તેના વાલીવારસની શોધખોળ શરૂ કરતા બાળકીનું નામ આરોહી અજીતભાઇ સીતાપરા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક બાળકીના પિતા અજીતભાઇ સીતાપરા (રહે. જેતપરડા, તા. વાંકાનેર) નો સંપર્ક કરી જરૂરી ખરાઈ કર્યા બાદ પોલીસે માસૂમ આરોહીને તેના પિતાને હેમખેમ સોંપી દીધી હતી. આ ઉપરાંત, મેળાની ભીડમાં પોતાના સ્વજનોથી વિખુટા પડી ગયેલા અન્ય એક વયોવૃદ્ધ વ્યક્તિને પણ પોલીસે ભારે જહેમત ઉઠાવીને તેમના પરિવારજનો સાથે સહીસલામત રીતે મેળવી આપ્યા હતા.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



