વાંકાનેરના વઘાસીયા ગામે અને ટંકારા ટાઉનમાં બંધ મકાનોને નિશાન બનાવીને થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો મોરબી એલ.સી.બી. પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૫,૪૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનોના તાળાં તોડીને તસ્કરો દ્વારા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ અનડિટેક્ટ ગુનાઓને ઉકેલવા માટે મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ સક્રિય બન્યો હતો. પોલીસ ટીમે આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સી.સી.ટી.વી. ફૂટેજ,

ટેકનિકલ સર્વેલન્સ અને પોતાના ખાનગી બાતમીદારો (હ્યુમન રિસોર્સ) મારફતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સઘન તપાસ દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધરી એક નંબર પ્લેટ વગરની એક નવી બજાજ પલ્સર મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા બે શંકાસ્પદ ઈસમોને પોલીસે અટકાવ્યા હતા. તેમની સઘન તલાશી લેતા તેમની પાસેથી બંને ગુનામાં ચોરાયેલા સોના-ચાંદીના દાગીના, સિક્કા અને રોકડ રકમ મળી આવી હતી…

પોલીસે બંનેની યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને વાંકાનેર તથા ટંકારાની બંને ઘરફોડ ચોરીઓ પોતે જ કરી હોવાની કબૂલાત આપી હતી. આ બનાવમાં પોલીસે આરોપી જયસીંઘ ઉર્ફે રાણા શેરાસીંધ બાવરી (ઉંમર: ૨૨ વર્ષ, રહે. દંતેશ્વર, ચિંતનનગર, વડોદરા) અને અર્જુનસીંઘ હીરાસીંઘ પટવાઇ સિકલીગર શીખ (ઉંમર: ૧૯ વર્ષ, રહે. બાવળા કુમારશાળા પાછળ, પઢારવાસ, જિ. અમદાવાદ)ની સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૫,૪૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



