Monday, July 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરપર્યાવરણ સંરક્ષણ સાથે વ્યસનમુક્તિનો સંદેશ : વાંકાનેરના વલાસણ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે...

    પર્યાવરણ સંરક્ષણ સાથે વ્યસનમુક્તિનો સંદેશ : વાંકાનેરના વલાસણ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ….

    વાંકાનેર તાલુકાના વલાસણ ગામે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક જ મંચ પરથી પર્યાવરણ સંરક્ષણ અને વ્યસનમુક્ત સમાજનો મજબૂત સંદેશ પ્રજાસમક્ષ પહોંચાડવામાં આવ્યો હતો. વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વલાસણ ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગામના જાહેર સ્થળોએ આશરે 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું…

    સામાજિક સૌહાર્દ અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ગામની શાળા, શમશાન, કબ્રસ્તાન તેમજ ગુલશનશા પીરની દરગાહ સહિતના વિવિધ જાહેર અને ધાર્મિક સ્થળોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રેરણાદાયી અભિયાનમાં વાંકાનેર પોલીસનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો, જેમાં વાંકાનેર તાલુકા પીઆઇ બી.વી. પટેલ, સીટી પીઆઇ પ્રો. પી. આર. સોલંકી, પીએસઆઇ ડી.વી. ખાંભલા, બીટ જમાદાર કિર્તીસિંહ જાડેજા, અક્ષયસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો પૈકી મહેબૂબભાઈ કડીવાર (જિલ્લા પંચાયત સદસ્ય), હુસેનભાઈ શેરસીયા (તાલુકા પંચાયત સદસ્ય), મનુભાઈ આહીર – મીતાણા (તાલુકા પંચાયત સદસ્ય), ઈરફાનભાઈ ચૌધરી – અરણી ટીંબા (કોંગ્રેસ માઇનોરિટી મોરબી જિલ્લા પ્રમુખ), બસીરભાઈ (વલાસણના સરપંચ) તથા રાધવભાઈ ગમારા, ઈદુ ભગત ગમારા, લધુભાઈ ગમારા, કિશોરભાઈ ચાવડા (ન્યાય સમિતિ), રાજુભાઈ, વાલાભાઈ તેમજ ગામના શિક્ષકો સહીતના ઉપસ્થિત રહ્યા હતાં….

    બાળકો જે જુએ છે તે જ શીખે છે : DYSP સમીર સારડા

    કાર્યક્રમ દરમિયાન DYSP સમીર સારડાએ માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહીને સમાજ સુધારણા અંગે ઊંડું અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વડીલોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પરિવારના વડીલોએ બાળકોની સામે પાન, માવો, ગુટકો, તમાકુ કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનોનું સેવન ટાળવું જોઈએ, કારણ કે બાળકો જે જુએ છે તે જ શીખે છે. જો પરિવારમાંથી જ સાચા અને સારા સંસ્કારોનું સિંચન થશે, તો આવનારી નવી પેઢી વ્યસનમુક્ત, જવાબદાર અને કાયદાનું પાલન કરનારી સભાન નાગરિક બનશે.
    તેમણે પર્યાવરણની સુરક્ષા સાથે કાયદા પ્રત્યેની જાગૃતિ અને નાગરિકોની સામાજિક જવાબદારીઓ વિશે પણ ગ્રામજનોને વિગતવાર સમજ આપી હતી.

    વલાસણ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના સમયમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનારી સંસ્થા નથી, પરંતુ સમાજને સાચી દિશા બતાવતી એક માર્ગદર્શક શક્તિ તરીકે પણ ઉભરી રહી છે. વલાસણ જેવા નાના ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ એ વાતની પ્રતીતિ કરાવે છે કે જ્યારે પોલીસ જનભાગીદારી સાથે પર્યાવરણ, વ્યસનમુક્તિ અને સંસ્કાર જેવા પાયાના મુદ્દાઓ પર કામ કરે છે, ત્યારે તેની લાંબાગાળાની સકારાત્મક અસર સમાજ પર પડે છે. એક તરફ વૃક્ષો વાવીને હરિયાળા ભવિષ્યનો સંકલ્પ કરાયો, તો બીજી તરફ નવી પેઢીને વ્યસનના દૂષણથી બચાવવા વડીલોને જાગૃત કરાયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!