આ સ્થળોએ પેવર બ્લોક નાખી , બાંકડા પણ મુકાયા અને સીસીટીવી કેમેરા પણ નખાયા : હવે જો અહીં કચરો ફેંક્યો તો નગરપાલિકા રૂ.5000નો દંડ ફટકારશે…
વાંકાનેર શહેરમાં કાયમી કચરો ફેકવામાં આવતા સ્થળોની નગરપાલિકાએ સુરત બદલી આ તમામ જગ્યાને ચોખ્ખી ચણાક બનાવી બેસવા લાયક સ્થળ બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે, જેમાં કુલ આઠ સ્થળોએ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી બે સ્થળોએ કામગીરી પુર્ણ કરી અન્ય સ્થળોએ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ આ તમામ સ્થળોએ નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવી આગામી દિવસોમાં અહીં કચરો ફેંકનારને રૂ. ૫૦૦૦ દંડ ફટકારવા જોગવાઈ કરવામાં આવી છે, જે તમામ કેમેરાનું સતત લાઇવ મોનિટરીંગ ખુદ નગરપાલિકાના ચિફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે….
બાબતે માહિતી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, સરકારની સૂચના હતી કે ગાર્બેજ વર્નેરેબલ પોઇન્ટ એટલે જ્યાં શહેરીજનો દ્વારા કચરાનો કાયમી નિકાલ કરવામાં આવે છે તેવા સ્થળોએ ચોખ્ખાઈ રહે તે માટે પગલાં લેવા, જે અનન્વયે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આવા 8 સ્થળો શોધી અહીંથી કાયમી ગંદકી દૂર કરવામાં આવી છે. ઉપરાંત અહીં પેવર બ્લોક નાખી, બેસવા માટે બાંકડા મૂકી બાળકો, સિનિયર સિટીઝન તથા નાગરિકોને બેસવા લાયક સ્થળો બનાવી દેવામાં આવ્યા છે. જે તમામ સ્થળોએ કાયમી ચોખાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવી તેનું સતત મોનિટરિંગ કરી આગામી દિવસોમાં જો કોઈ અહીં કચરો ફેંકે તો તેને રૂ. 5000 દંડ ફટકારવા જોગવાઈ કરવામાં આવી છે…
વધુમાં જો કોઈ બહારનો વ્યક્તિ અહીં આવીને કચરો ફેંકી જાય અને તેના વિશે કોઈ નાગરિકો માહિતી આપવામાં આવે તો તેનું નામ ગુપ્ત રાખીને રૂ.1100નું ઇનામ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આવી જ રીતે શહેરના તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરી તમામ સુવિધાઓ વિકસાવી શહેરને આદર્શ અને સ્વચ્છ શહેર બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેમાં નાગરિકોને સહકાર આપવા ચીફ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે…