મિલપ્લોટ વિસ્તારમાં ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા બદલાવવા તથા કચરા કલેકશન માટે વાન શરૂ કરવા માંગ….
વાંકાનેર શહેરના વોર્ડ નંબર 2 માં રેલ્વે સ્ટેશન તરફ જવાના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા રસ્તાની મરામત કામગીરી દરમ્યાન માટીના ઢગલા કરી રોડ બંધ કરવામાં આવેલ હોય, જે કામગીરી પુર્ણ થયા બાદ પણ માટીનો ઢગલો ઉપાડવામાં ન આવતા એક તરફનો વાહનવ્યવહાર બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે, જેને દુર કરવા તેમજ વોર્ડ નં ૨ માં કચરા કલેકશન માટે વાન શરૂ કરવા તથા ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા બદલાવવા સ્થાનિક કાઉન્સિલર દ્વારા રજુઆત કરવામાં આવી છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના વોર્ડ નંબર 2ના ચુંટાયેલ સદસ્ય જાગૃતિબેન ચૌહાણ દ્વારા આજરોજ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી, તેમના વિસ્તારમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર ફાટક પાસે લાંબા સમયથી રસ્તો તૂટી ગયો હતો જ્યાં પાલિકા દ્વારા રસ્તાની મરામત કરવામાં આવી હતી. કામ ચાલતું હોવાથી માટીનો ઢગલો કરી રસ્તો બંધ કરાયો હોય, જે કામ પુર્ણ થઇ જતા રસ્તા વચ્ચેથી ધૂળના ઢગલા ઉપાડવા માંગ કરવામાં આવી છે….
આ ઉપરાંત વોર્ડ નંબર 2 માં કચરાની ગાડી આવતી નથી અને ગટરના ઢાંકણા પણ તૂટી ગયેલી હાલતમાં છે. તો આ વિસ્તારમાં કચરો લેવા ગાડી નિયમિત આવે અને ગટરના ઢાંકણા તાત્કાલિક બદલવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. પાલિકામાં વિરોધ પક્ષ મજબૂત બનતા જ લોકોની સમસ્યાઓ બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે હવે સમય સૂચકતા વાપરીને પાલિકા તંત્ર દ્વારા અધૂરા અને મનસ્વી નિર્ણયો લેવામાં વિચાર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે…