વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 76 વર્ષ પુરા કરી 77માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સતત 3 ટર્મ વાંકાનેર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ બહોળી લોકચાહના મેળવનાર મહંમદજાવેદ પીરઝાદાના આજે જન્મદિવસ નિમિત્તે ચોમેરથી તેમનાં પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે, ત્યારે આજે ચક્રવાત ન્યુઝ ટીમ દ્વારા તેમના સામાજિક તથા રાજકીય જીવનની સફર વિશે વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે….
વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી મહંમદજાવેદ પીરઝાદાનાનો જન્મ વાંકાનેર ખાતે ધાર્મિક મહત્ત્વ ધરાવતા પીરઝાદા પરિવારમાં 20 ફેબ્રુઆરી 1948ના રોજ થયો હતો, જેઓ ચાર ભાઇઓમાં ત્રીજા નંબરના સંતાન હોય અને તેમના પિતા ડો. અબ્દુલમુત્તલીબ પીરઝાદા તથા ભાઇ મંજુરહુશેન પીરઝાદા તથા ખુર્શીદહૈદર પીરઝાદા(મીર સાહેબ) પણ વાંકાનેર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ તેમણે પરિવારના રાજકીય વારસાને આગળ વધારતા સતત 15 વર્ષથી વાંકાનેર બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવી વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
તેમણે અભ્યાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.A. અને B.Ed કરી રાજનીતિમાં ઝંપલાવતા પહેલા વાંકાનેરના પીપળીયારાજ ગામની શાળાના શિક્ષક તરીકે જોડાયા બાદ વર્ષ 2006માં પંચાસીયા હાઇસ્કૂલના આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. તેમના રાજકીય જીવનની શરૂઆત વર્ષ 1989 માં રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે વિજેતા થઇ કર્યા બાદ વિવિધ સમિતિઓમાં તેમણે ચેરમેન પદે સેવા આપી હતી. જે બાદ વર્ષ 1997 માં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, વર્ષ 2000 તથા 2005માં જીલ્લા પંચાયતના સદસ્ય તથા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી હતી.
વર્ષ 2002 માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડતા નજીવા અંતરથી હાર્યા બાદ ડબલ તાકાતથી ફરી વર્ષ 2007 ની વિધાનસભા ચૂંટણીમાં હરિફ ઉમેદવારને 18,000 કરતા વધારે મતોથી હરાવી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે પરંપરાગતને આગળ વધારી વર્ષ 2012 અને 2017 માં પણ તેઓ સતત ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. દરમિયાન તેઓ 2012થી આજ સુધી આર.ડી.સી. બેંકના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. જે બાદ વર્ષ 2022 માં પણ વિધાનસભા ચૂંટણી લડતા તેઓ હરિફ ઉમેદવાર સામે હારી ગયા હતા….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…