ગ્રામ્ય વિસ્તારોમાં સીમના મોટાભાગના રસ્તાઓ બંધ, સમગ્ર પંથકમાં ઠેરઠેર પાણી ભરાવાથી નુકસાની….
રવિવારે વહેલી સવારથી જ વાંકાનેર પંથકમાં મેઘરાજા ઓળઘોળ થઈ જતાં સાંજે આઠ વાગ્યા સુધીમાં સમગ્ર પંથકમાં સરેરાશ 6 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક જગ્યાએ નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે. બાબતે હાલ ચક્રવાત ન્યુઝને મળેલ ચોક્કસ માહિતી મુજબ નીચેની જગ્યાઓએ નુકસાન સામે આવી છે….
ચંદ્રપુર ગામની કબ્રસ્તાનની દિવાલ પુરના વહેણમાં ધરાશાયી, લાખોની નુકસાની….
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે કબ્રસ્તાનની બાજુમાંથી પસાર થતાં પતારીયા નદી ઓવરફ્લો થતાં તેના પાણીના વહેણ બાજુમાં આવેલ કબ્રસ્તાન તથા ઈદગાહમાં ઘુસી ગયા હતા, જેના કારણે કબ્રસ્તાનની દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ ચંદ્રપુર ગામ ખાતે પશુપાલન ભરતભાઈ જીવણભાઈ આલની એક ભેંસ પાણીના વહેણમાં ડુબી જવાથી મોત થયું હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પાછળની દિવાલ ધરાશાયી, વેપારીઓનો માલ વહેણમાં ધોવાયો….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થતી પતારીયા નદીમાં પૂર આવવાના કારણે માર્કેટિંગ યાર્ડમાં પાછળ તરફ વોશરૂમ બાજુની દિવાલને નુકસાની પહોંચતા દિવાલ ધરાશાયી થઈ હતી. આ સાથે જ વેપારીઓએ પોતાની દુકાન બહાર રાખેલ માલ પાણીના વહેણમાં ધોવાયો હતો, જ્યારે યાર્ડના શેડમાં રાખેલ ખેડૂતોનો માલ સહી સલામત હોવાની માહિતી મળી રહી છે….
ચંદ્રપુર નજીક આવેલ સિપાઈ જીનમાં પાણી ભરાયા…
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ સિપાઇ જીનીંગ ઇન્ડસ્ટ્રીઝ તથા સહારા ઇન્ડસ્ટ્રીઝમાં આજે ભારે વરસાદના કારણે પાણી ભરાયાં હતાં, જેમાં કપાસની ગાંસડીઓ તથા ઓઇલ મીલમાં પાણી ઘુસી જતા નુકસાન પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે…
કેરાળા ગામે સીમમાં વરસાદી પાણી ભરાયા, મોટાભાગના રસ્તાઓ બંધ….
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે ચાર કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાવવાના કારણે સમગ્ર ગામમાં પાણી ભરાયા હતા. આ સાથે જ ગામની સીમમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાના કારણે સીમના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેથી ઘણા બધા ખેડૂતો વાડીએ ફસાયેલ હોવાના સમાચાર મળી રહ્યા છે….
ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે પર પડ્યા ઠેરઠેર ગાબડાંઓ….
વાંકાનેર પંથકમાં આજે પડેલા ભારે વરસાદના કારણે વાંકાનેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર મોટી નુકસાની પહોંચી હતી, જેમાં ભારે વરસાદના કારણે મોરબી-વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જતા હાઇવે પર ઠેર ઠેર નાના-મોટા ગાબડાઓ પડવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે….