ગૌશાળા માટે દર વર્ષે તન, મન અને ધનથી દાન માટે પ્રયાસો કરતાં ગૌસેવકોને સન્માનિત કરાયા, મકરસંક્રાંતિ નિમિત્તે દાન માટે જાહેર જનતાને અપીલ કરાઇ…
વાંકાનેર ખાતે છેલ્લા ૧૭૧ વર્ષથી કાર્યરત પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા એક હજાર કરતા વધારે ગૌવંશના નિભાવનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગૌશાળા દ્વારા દર વર્ષે ગૌશાળા માટે તન, મન અને ધનથી સેવા આપતા ગૌસેવકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ સંસ્થાના સંચાલન માટે ગૌવંશસેવા, જીવદયા અને પશુરક્ષાને વરેલા વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર અને મુંબઈ સહિતના સેવાભાવી ગૌસેવકો દ્વારા અવિરત દાનની સરવાણી વહાવી ગૌ સેવાનો યજ્ઞ હંમેશા માટે જીવંત રાખવામાં આવી રહ્યો છે. આ સાથે જ વાંકાનેર શહેર-તાલુકાનાં વિવિધ સેવાકીય સંસ્થાઓ તથા ગૌ સેવક મંડળો દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર, રાજકોટ , જામનગર વગેરે શહેરોમાં વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા માટે દાન એકત્ર કરવા પંડાલ બનાવી દિવસભર સેવા યજ્ઞ કરે છે, જે તમામને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા….
સંસ્થાના કર્તાહર્તા સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાના અવસાન બાદ સંચાલન માટે પ્રમુખ કેતનભાઈ મહેતા સહિત નવી બોડીની નિમણૂક કરવામાં આવી હોય, જે બોડી દ્વારા આ મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર પાંજરાપોળની ૯૫૮ ગાયોના નિભાવ માટે ઉદાર હાથે દાન વહાવવા અપીલ કરવામાં આવ હતી. આ સાથે જ સંસ્થા દ્વારા દરેક નાગરિક પાંજરાપોળની એક ગાયને દતક લઈ ગાયનો નિભાવ ખર્ચ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ સંસ્થા ટ્રસ્ટી, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા દતક લેવાની જાહેરાત કરતાં આ પ્રેરણાદાયી કાર્યને ઉપસ્થિત તમામે બિરદાવ્યું હતું…
પાંજરાપોળના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મેહતાએ પાંજરાપોળમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતીઓ વિશે વિગતવાર વર્ણન કરી, મોંઘવારીના મારથી ગાયોના નિભાવ ખર્ચમાં ધળખમ વધારો થવાથી હાલ પાંજરાપોળ ઉપર અંદાજે ૬૦ લાખનું દેવું હોય, જેમાંથી બહાર નીકળવા દાતાઓએ છૂટા હાથે દાનની સરવાણી વહેડાવવા અપીલ કરી હતી….