ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા વડપ્રધાનને પત્ર લખી અપીલ કરાઇ….
ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હોય, જે નિર્ણયને જનહિતમાં તાત્કાલિક અસરથી પરત ખેંચવા કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા તથા ગ્યાસુદ્દીન શેખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાતને જાહેર મંચ ઉપરથી અનેક વખત દોહરાવેલ છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હોય,
જે વડાપ્રધાનની પ્રતિબદ્ધતાથી વિપરીત છે. દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક અને આર્થિક, સામાજીક સ્થિતિને જાણવા જસ્ટીસ સચ્ચર કમિટીની રચના કરવામાં આવી હતી. કમીટીના અહેવાલમાં ફલિત થયું છે કે ભારતીય મુસ્લિમ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે. રિપોર્ટના ગંભીર તારણોને લક્ષમાં લઈ મનમોહનસિંહની યુપીએ સરકારે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના કરી મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે તમામ ધર્મ જ્ઞાતિના લોકોની સાથે મુસ્લિમ સમાજનો સમાંતર વિકાસ કરવા તેમજ લઘુમતી મુસ્લિમ સમાજ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાના શુભ આશયથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તેમજ તબીબી સંસ્થાઓને આર્થિક રીતે સહાયરૂપ થવા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે.
શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત લઘુમતી સમાજની શૈક્ષણિક સંસ્થાઓને લાભો મળી રહ્યા છે, તેવા સમયે આ અધિનિયમ દ્વારા ફાઉન્ડેશનને બંધ કરવાના ર્નિણયથી તમામ ગુણવત્તાયુક્ત મુસ્લિમ લઘુમતી વિદ્યાર્થીઓ રાષ્ટ્રના નિર્માણમાં આગળ આવવાના પ્રયાસો પ્રભાવિત થતા બંધારણીય અધિકારોથી વંચિત રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુસ્લિમ સમુદાયના હિતોથી વિપરીત છે. લઘુમતીઓના બંધારણીય અધિકારને ધ્યાનમાં રાખી શૈક્ષણિક, સામાજિક – સાંસ્કૃતિક ઉન્નતિ અને વિકાસ માટે વર્તમાન સરકારે પગલાં લેવા સતત પ્રયત્નશીલ રહેવા અમારી નમ્રવિનંતી છે.
સત્તાધીશોની જવાબદારી છે કે દેશના તમામ વર્ગોનું કોઈપણ ભેદભાવ વગર સમાન સ્તરે વિકાસ થાય. ફાઉન્ડેશનને બંધ કરવાના ર્નિણયથી લઘુમતીઓના સમાન વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્ન ઊભો થાય છે. આપને નમ્ર વિનંતી છે કે મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને બંધ કરવાના આદેશને તાત્કાલિક અસરથી પરત ખેંચી ભારતીય લઘુમતીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવા પહેલ કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે…..