ગામનાં સરપંચ દ્વારા જવાબદાર તંત્રને અનેક રજૂઆતો અને જાણ કરી હોવા છતાં પાણી રોકવા કોઇ કાર્યવાહી ન કરાતાં ખેડૂતોમાં રોષ…
વર્તમાન ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને કારણે વાંકાનેર વિસ્તારમાં મોટાભાગના નદીનાળા, તળાવ અને ચેકડેમો છલકાઈ જતાં અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતોને શિયાળું પાક માટે રાહત થઇ હોય, ત્યારે વાંકાનેરના લુણસરિયા અને આજુબાજુના ગામના ખેડૂતો માટે માઠાં સમાચાર સામે આવ્યા છે, જેમાં લુણસરિયા ગામ ખાતે મચ્છુ નદી પર બનેલ ચેકડેમ હાલ છલોછલ ભરેલ હોય, જે પાણી ખેડૂતો શિયાળાની સિઝનમાં સિંચાઈ માટે ઉપયોગ કરવાના હોય, ત્યારે જ ચેકડેમનો પાળો સાઈડમાંથી ધોવાઇ જતાં હાલ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે, જેની જાણ ગામના જાગૃત સરપંચ દ્વારા જવાબદાર તંત્રને કરવામાં આવી હોવા છતાં બાબતે તંત્ર દ્વારા ખેડૂતો માટે કાચા સોના સમાન પાણી બચાવવા કોઈ પગલાં ભરવામાં નહીં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
વાંકાનેર વિસ્તારમાં કુદરતની કૃપાથી તમામ પાણી સંગ્રહના સાધનો છલોછલ હોય, ત્યારે અમલદારોના અણઘડ વહીવટના કારણે કુદરતની કૃપાથી ભરેલું લુણસરીયા ગામનું ચેકડેમ ખાલી થઈ રહ્યું છે. બાબતે માહિતી આપતાં ગામના સરપંચના જયેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગત ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને કારણે ચેકડેમના પાળાની બાજુમાં માટીનું ધોવાણ થતાં ત્યાંથી પાણી વહી રહ્યું છે, જેથી આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી,
જેને પગલે જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગમાંથી અમલદારો ઘટનાસ્થળે આવી સ્થિતિનો અભ્યાસ કરેલ પરંતુ જે બાદ હજુ સુધી સિંચાઇ વિભાગ દ્વારા આ પાણીના વેડફાણને અટકાવવા કોઈ પગલાં ભરવામાં આવેલ નથી જેના કારણે હજુ પણ લાખો લિટર પાણી નદીમાં વહી રહ્યું છે. બાબતે જોવાનું રહ્યું કે મિડિયા અહેવાલો બાદ જાગૃત અવસ્થામાં નિદ્રાધીન તંત્રના અમલદારો જાગે છે કે પછી….