વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થતું હોય જેથી બાબતે આજે કણકોટ ગામના નાગરિકો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બાબતે રજૂઆત કરવામાં આવી હતી….
બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, કણકોટના ગ્રામજનો દ્વારા ગ્રામસભા બોલાવી સર્વાનુમતે ઠરાવ પસાર કરી કણકોટ ગામની ગૌચરમાંથી ફુલેત્રા સ્ટીલ એલએલપી અને સફર ઇકોપેટ દ્વારા જે ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે તેને દિન-૦૭ માં બંધ કરવા અને આ પ્રોજેક્ટને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરી રદ કરવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવેલ છે. જેમાં ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટમાં ઉપયોગ થતાં કોલસાથી આજુબાજુના વિસ્તારની હવા, પાણી અને જમીન પ્રદૂષણના પ્રશ્નો ઊભા થયા છે તથા કોલસાની ભૂકી અને ફ્લાયએશના કારણે આજુબાજુના વિસ્તારમાં માનવ સ્વાસ્થ્ય, ખેતી અને પશુઓને નુકશાન થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા હજી એક જ યુનિટમાં કામ ચાલુ કરવામાં આવેલ હોય ત્યાં જ આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણનું સમ્રાજ્ય ઉભું થયું છે. આ બધા યુનિટો અને કેપ્ટિવ 20 મેગાવોટનો પાવર પ્લાન્ટ ચાલુ થયા પછી આ વિસ્તારમાં પ્રદૂષણ ના કારણે કણકોટ ગામના નાગરિકોના આરોગ્ય, ખેતી અને પશુપાલન પર ખુબ જ વિકટ પરિસ્થિતિ આવે તેમ છે…
આ સ્ટીલ પ્લાન્ટમાં ૩,૯૬૬ ઘન મીટર પ્રતિ દિન પાણીની જરૂર પડશે, જે તેમના રીપોર્ટ પ્રમાણે નર્મદા કેનાલમાંથી લેવાનું હતું તેના બદલે ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહેલ છે. તેમજ તેમાંથી ગંદુ પાણી નીકળશે તે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જો આ પાણી અહી નીકળશે તો તેનાથી સ્થાનિક ખેતી અને ભૂગર્ભ જળ પર વિપરીત અસર પડશે. કંપની પોતાના અહેવાલમાં પાણી સૂકવી દેવાશે અને પાછું વપરાશે એમ બતાવેલ છે. જે ચોમાસમાં શકય નથી. કાળી મેષથી પ્રદૂષિત પાણી પર્યાવરણને નુકશાન થાય, પ્લાન્ટથી આ સ્ટીલ પ્લાન્ટની આજુબાજુ આવેલ ખેતી લાયક જમીનને અને ખેતીને નુકશાન થયેલ છે,
આ વિસ્તારના ખેડૂતો મુખ્ય પાક કપાસ,શાકભાજી, મગફળી, જીરું, ઘઉં, ચણાની ખેતી કરતા હોય જેમાં આ કોલસાની ભૂક્કી અને કોલસાની રાખના કારણે નુકશાન થાય છે અને આ વિસ્તારમાં ભારે હવા, પાણી અને જમીન પ્રદૂષણ થાય છે અને તે આખા વિસ્તારમાં ફરી વળે છે. સ્ટીલ પ્લાન્ટમાંથી કાળાવાયુઓ અને રજકણો આજુબાજુ પથરાય છે. આવા પ્લાન્ટથી ભારે કોલસાનું પણ પ્રદૂષણ થાય છે. આ પ્લાન્ટના પ્રદૂષણ બાબતે કોઈનું સાંભળતા નથી અને જીપીસીબી એમની સામે હાલે સુધી કોઈ પ્રદૂષણ અટકાવવા કાર્યવાહી કરેલ નથી…
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા કણકોટ ગામની આસપાસનું હવા, પાણી અને જમીન પ્રદૂષણ આખા વિસ્તારમાં ફેલાયેલ છે અને તે ગામને પણ ભારે નુકશાન અને અસર કરી છે. જેથી 10 કિમી વીસ્તારમાં આવેલ હવા, ભૂગર્ભ જળ, નદી નાળાના પાણીને આ પ્લાન્ટ થકી ભવિષ્યમાં પ્રદૂષણ થશે તેને રોકવા, ખેતીની ફળદ્રુપ જમીન અને પાકને થનાર નુકશાન અટકાવવા, લોકોના આરોગ્ય અને જીવસૃષ્ટિની રક્ષા માટે, રામપરા ઇકોસેન્સિટિવ ઝોન તેમજ રામપરા અભ્યારણના રક્ષણ માટે આ સ્ટીલ પ્લાન્ટની પર્યાવરણીય મંજૂરી રદ કરવામાં આવે. ખેતી આધારિત વિસ્તારમાં આવો પ્રદૂષણ ફેલાવનાર પ્લાન્ટ આવવાથી લોકોની આજીવિકાને પણ નુકશાન થશે.
આ વિસ્તારમાં ખુબ સારી ખેતી થઇ રહી છે, ત્યારે આ પ્રદૂષણ કરતા એકમને ખેતી ન થતી હોય તેવી જગ્યા પર લઇ જવામાં આવે અને માનવ વસાહત ન હોય તેવા વિસ્તારમાં આ એકમની સ્થાપના કરવામાં આવે તેવી ખેડૂતો તરીકે ગ્રામજનોએ પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરી છે….