કારખાનામાંથી ઉડતા રજના કારણે 10 કીમીની ત્રિજ્યામાં ખેડૂતોના પાકની માઠી હાલત તથા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો….
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં સ્થપાયેલ ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ સામે શરૂઆતમાં વિરોધનો વંટોળ ઉભો થાય બાદ એનકેન પ્રકારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે પ્લાન્ટ શરૂ થતાં જ આજુબાજુની 10 કીમી ત્રિજ્યામાં ખેડૂતોના પાક પર ખરાબ અસર દેખાવાની શરૂ થયેલ હોય, સાથે જ કારખાનામાંથી ઉડતી રજના કારણે આ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો દેખાઇ રહી છે, ત્યારે આ પ્રોજેક્ટના પ્રદુષણ સામે ગત તા. ૩ના રોજ કણકોટ ગામ ખાતે જાગૃત નાગરિકો દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ મિટિંગમાં ઉસ્માનગની શેરસિયા દ્વારા ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યમાં શું નુકશાન થશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આવા પ્રોજેક્ટ જેવા જ જર્મન સ્ટીલ, ઈ. ટી. સ્ટીલ, એસ્સાર સ્ટીલ, ગેલેન્ટ સ્ટીલ, નેશનલ સ્ટીલ, કામઘેનુ સ્ટીલ બનાવતી કંપની અને તેની નજીકના ખેડૂતોને થયેલ નુકશાન વિશે સમજ આપી હતી, આવા પ્રોજેક્ટના કારણે આજુબાજુના વિસ્તારની જમીનો ચરિયાણ માટે પણ યોગ્ય રહેશે નહિ. આવા પ્રોજેક્ટો દ્વારા જે રીતે કોલસો વપરાશ કરવામાં આવે છે, તે પણ પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન કરતાં નથી, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં કોલસાની ભૂકી ખેત પાકને નુકશાન કરી રહી છે અને આજુબાજુના લોકોના શ્વાસમાં કોલસાની ભૂકી જવાથી ફેફસાના રોગોમાં વધારો થશે અને આ કોલસાની ભૂકી ચરિયાણ જમીનમાં પથરાશે અને તે કોલસાની ભૂકી વાળું ધાસ પશુઓ ખાશે તો તેના આરોગ્ય પર પણ ખતરો ઉભો થશે સહિતની માહિતી આપી હતી…
આ સાથે જ અર્જુનસિંહ વાળા દ્વારા આવા પ્રોજેક્ટ સામે લડવું જોઈએ અને તેના નફા માટે ગામના નાગરિકો પોતાના આરોગ્યને નુકશાનમાં શા માટે મૂકે ? તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ વકાલિયા નજરૂદીન દ્વારા ગામના બધા લોકો સાથે મળી વિરોધ કરવાથી આવી કેટલીય કંપનીઓને અહીંથી જવું પડશે પણ આપણે બધાએ સાથે રહીને લડવું પડશે તેવી વાત કરી હતી, ત્યાર બાદ હરપાલસિંહ દ્વારા પોતાના ઘર પર આવતા કોલસાની ભૂકી વિશે વાત કરી હતી અને કંપનીએ આજુબાજુના ગામના સરપંચ પાસે ખોટું બોલીને પંચાયતના લેટર મેળવ્યાની વાત કરી હતી.
આ મિટિંગમાં ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે, પંચાયત દ્વારા ગ્રામસભા ભરીને ઠરાવ કરી પ્રદુષણ ઓકતા આ ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટને નોટિસ આપવી અને કંપની દ્વારા કણકોટ ગામના ગૌચર પણ દબાણ કરેલ છે, તેને પંચાયત ધારાની કલમ ૧૦૫ મુજબ નોટિસ આપીને તોડી પાડવું અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં કંપની સામે એક ફરિયાદ થયેલ હોય જે બાદ બીજી ફરિયાદ કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા…
આ સાથે જ ગઇકાલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના બે અધિકારીઓ દ્વારા કણકોટ અને આજુબાજુના ખેડૂતોના કોથમી, રીંગણી, તુવેર, કપાસ, દૂધી, મરચાં જેવા ખેતીના પાકનું નિરીક્ષણ કરી પાકમાં થયેલ નુકસાનીના ફોટો લેવામાં આવ્યા હતા, તેમજ ખેડૂતોએ બનાવેલ ખુલ્લી પાણીની કુંડી અને ટાંકાનું નિરીક્ષણ કરતે તેમાં કોલસાની ભૂકી જોવા મળેલ હતી. આ સાથે જ ગામની માધ્યમિક શાળાની પણ મુલાકાત લીધી હોવાની માહિતી મળી રહી છે….